Presidential Election 2022: રાષ્ટ્રપતિ (President) પદ માટે ત્રણ સંભવિત ઉમેદવાર (Candidate) ના ચૂંટણી લડવાથી ઈનકાર કરવાની સાથે વિપક્ષી દળોના નેતા (Opposition Leaders) 18 જૂલાઈએ ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવારનું નામ નક્કી કરવા માટે મંગળવારે બપોરે દિલ્હી (Delhi) માં ફરી બેઠક કરશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન(Jammu Kashmir Former CM) ફારુક અબ્દુલ્લાના ઇનકાર પછી, સોમવારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની વિપક્ષી પાર્ટીઓના નેતાઓની વિનંતીને ફગાવી દીધી છે.


ભાજપ વિરુદ્ધ ગઠબંધનને વધુ મજબૂત કરવાની આશાઓ વચ્ચે શરદ પવાર મંગળવારે 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરશે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કોલકાતામાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી પક્ષોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બનાવવાનું સૂચન કર્યું છે. તો સાથે સાથે 18મી જુલાઈએ યોજાનારી 16મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ ભાજપ એનડીએના ઉમેદવાર અંગે મૌન સેવી રહ્યું છે. ચૂંટણીના પરિણામો 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.


દેશને મારા કરતા સારો રાષ્ટ્રપતિ મળવો જોઈએ


મહાત્મા ગાંધીના પૌત્ર અને સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિપક્ષી દળોના ઘણા નેતાઓએ તેમના નામને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર તરીકે ધ્યાનમાં લીધું હતું, જે તેમના માટે સન્માનની વાત છે. ગાંધીએ કહ્યું કે હું તેમનો અત્યંત આભારી છું. પરંતુ આ બાબતને ઊંડાણપૂર્વક વિચાર્યા બાદ હું જોઉં છું કે વિપક્ષના ઉમેદવાર એવા હોવા જોઈએ કે વિપક્ષી એકતા સિવાય રાષ્ટ્રીય સ્તરે સર્વસંમતિ હોવી જોઈએ. ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે મારા કરતાં વધુ સારા કામ કરનારા લોકો હશે. એટલા માટે મેં નેતાઓને વિનંતી કરી છે કે આવા વ્યક્તિને તક આપવી જોઈએ.