કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી નેશનલ ડેમૉક્રેટિક એલાયન્સને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, વધુ એક સાથી પક્ષે એનડીએનો સાથ છોડી દીધો છે. ગોરખા જનમુક્તિ મોરચાના પ્રમુખ બિમલ ગુરંગે બુધવારે એનડીએ છોડવાની જાહેરાત કરી હતી. દાર્જિલિંગમાં અલગ રાજ્ય માટે આંદોલન બાદ તેના સંગઠનને એનડીએથી બહાર થવાનો ફેંસલો કર્યો છે, કેમકે બીજેપીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પહાડી વિસ્તારોમાં સ્થાયી રાજકીય સમાધાન શોધવામાં નિષ્ફળ રહી છે.


બુધવારે નજીકના સાથી રોશન ગિરી સાથે સામે આવેલા બિમલ ગુરંગે કહ્યું કે, કેન્દ્ર સરકાર 11 ગોરખા સમુદાયોને અનુસૂચિત જનજાતિ તરીકે ચિન્હીન કરવાના પોતાના વાયદાને પુરો કરવામાં નિષ્ફળ રહી છે.

ગોરખા જનમુક્તિ મોરચાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધની લડાઇમાં મમતા બેનર્જીના નેતૃત્વ વાળી તૃણમુલ કોંગ્રેસનુ સમર્થન કરવાનો સંકલ્પ કર્યો છે.



ગુરંગે એક હૉટલમા સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, 2009થી અમે એનડીએનો ભાગ રહ્યાં છીએ, પરંતુ બીજેપીના નેતૃત્વ વાળી સરકારે પહાડી વિસ્તારોમા સ્થાયી રાજકીય સમાધાન શોધવાનો પોતાનો વાયદો નથી નિભાવ્યો, તેમમે અનુસૂચિત જનજાતિની યાદીમાં 11 સમુદાયોને સામેલ નથી કર્યા, અમે છેતરાયેલા અનુભવી રહ્યાં છીએ, એટલે આજે અમે એનડીએ છોડવાનો નિર્ણય કર્યો છે.