નવી દિલ્હી: લદ્દાખ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે શૌર્ય મિસાઈને બેડામાં સામેલ કરવા અને તેને તૈનાત કરવાની મંજૂરી આપી દીધી છે. આ મિસાઈલની મારક ક્ષમતા 700 કિલોમીટર છે. શૌર્ય મિસાઈલ સબમરીનથી લોન્ચ કરેલી BA-05 મિસાઈલનું ગ્રાઉન્ડ વર્ઝન છે. તેને DRDOએ વિકસિત કરી છે.

3 ઓક્ટોબરે ઓડિશાના બાલાસોરમાં શોર્ય મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્ટ્રેટેજિક શૌર્ય મિસાઈલને તૈનાત કરવાનો નિર્ણય ટેક્ટિકલ ફોર્સ કમાન્ડ પર છોડી દેવામાં આવ્યો છે.

મિસાઈલના વિશેષજ્ઞો અનુસાર, તેની ખાસિયત સુપરસોનિક સ્પીડ પર ઉડાન ભરવાની છે એટલે કે એક સેકન્ડમાં 2.4 કિલોમીટર શૌર્ય મિસાઈલ અંતર કાપી શકે છે. 50 કિલોમીટરની ઉંચાઈ પર પર મિસાઈલ પોતાના નિર્ધારિત લક્ષ્યને ભેદી શકે છે. મિસાઈલની ક્ષમતા લગભગ 160 કિલોગ્રામ વારહેડની છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. ટ્રક પર મુકેલી કેનિસ્ટરથી પણ તેને છોડી શકાય છે.



એક મહિનામાં DRDOએ ચાર મિસાઈલોનું પરીક્ષણ કરી ભારતના આત્મનિર્ભર અભિયાનને મજબૂતી આપી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં અનેક મિસાઈલોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. સોમવારે સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોરપીડો (SMART)નું પરીક્ષણ કર્યું હતું. તેના પહેલા 7 સપ્ટેમ્બરે હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ગત મહિને MBT અર્જૂન ટેન્ક અને લેઝર ગાઈડેડ એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, હવે 800 કિલોમીટર રેન્જવાળી નિર્ભય ક્રૂઝ મિસાઈલનું પણ પરીક્ષણ થઈ શકે છે.