મંગળવારે ગુજરાતમાં વધુ ચાર કેસ નોંધાયા હતા જેમાંથી એક-એક અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગરના હતા. મંગળવારે કોઈનું મૃત્યુ ન નોંધાતા મોતનો આંકડો 6 પર યથાવત્ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, સૌથી વધારે પોઝિટિવ કેસ તેમજ તેમના સંપર્કમાં આવતાં લોકોના કારણે કેન્દ્ર સરકારે અમદાવાદને એક હોટસ્પોટ તરીકે ઓળખાવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પરંતુ સક્રિય રીતે, કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિઓને ઓળખવા અને જરૂરી પગલા લેવા માટે અમે સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં પણ કામ કરી રહ્યા છીએ.
આઈસોલેશનના અમલ માટે અમદાવાદ મહાનગરપાલિકા તેમજ એજન્સીઓએ મંગળવારે દાણીલીમડા અને બહેરામપુરા જેવા વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી.
ગુજરાતના આંકડા પર એક નજર કરીએ તો, અમદાવાદ 23 કેસ નોંધાયા છે જ્યારે વડોદરા-ગાંધીનગરમાં 9, રાજકોટમાં 10, સુરતમાં 10, ભાવનગરમાં 6, ગીર-સોમનાથમાં 2, મહેસાણા, કચ્છ અને પોરબંદરમાં 1-1 એક નોંધાયા છે. અમદાવાદમાં 3, ભાવનગરમાં બે અને સુરતમાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે.