નવી દિલ્લી: વિશ્વના સૌથી મોટા હિરાઓમાંથી એક કોહિનૂરને ભારત પાછો લાવવા માટે ટૂંક સમયમાં ભારત સરકાર બ્રિટનનો સંપર્ક કરી શકે છે. હાલમાં કોહિનૂર ટાવર ઓફ લંડનમાં આવેલા રોયલ મુગટમાં લાગેલો છે.
એક રિપોર્ટ પ્રમાણે, શુક્રવારના રોજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કેબિનેટ સેક્રેટરી પી.કે. સિન્હા, કલ્ચરલ મંત્રી મહેશ શર્માની મળેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં બ્રિટન સાથે એક કરાર કરવાની સંભાવનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કરારમાં એવું આશ્વાસન પણ આપવામાં આવી શકે છે કે ભારત કોહિનૂર સિવાય બ્રિટનના મ્યૂઝિયમોમાં રાખવામાં આવેલી અન્ય પ્રાચીન કલાકૃતિઓ પર દાવો કરશે નહીં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી. જેમાં 108 કેટેરના કોહિનૂર હિરાને ભારત પાછો લાવવાના વડાપ્રધાન મોદીના આદેશ બાદ બોલાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ પણ કોહિનૂરને ભારત પાછો લાવવા સંબંધિત કેસની સુનાવણી કરે છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે શું સરકાર આ હિરાને ભારત પાછો લાવવાની તરફેણમાં છે.
નોંધનીય છે કે વર્ષ 2010માં ભારતની મુલાકાતે આવેલા તત્કાલિન બ્રિટીશ પીએમ ડેવિડ કેમેરૂને કહ્યુ હતું કે, જો બ્રિટન કોહિનૂર પરત કરી દે છે તો બ્રિટિશ મ્યુઝીયમ ખાલી જોવા મળશે.’ સુત્રોના કહેવા પ્રમાણે, સરકાર કેવી રીતે કોહિનૂરને પાછો લાવવામાં આવે તેની શક્યતાઓ તપાસી રહી છે.
એપ્રિલ મહિનામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, કોહિનૂરને ના બ્રિટિશ સરકારે ચોર્યો છે ના તેઓ જબરદસ્તીથી લઇ ગયા છે પણ તે પંજાબના શાસકો દ્ધારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભેટમાં આપવામાં આવ્યો છે. કોહિનૂરને પાછો લાવવામાં કાયદાકીય અને ટેકનિકલ અડચણો છે કારણ કે આ મુદ્દો આઝાદી પૂર્વનો છે. હાલમાં કોહિનૂરની કિંમત 20 કરોડ ડોલર આંકવામાં આવી રહી છે.