PIB Fact Check: સોશિયલ મીડિયા પર અખબારનું કટિંગ વાયરલ થઈ રહી છે. આ વાયરલ કટિંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ ચૂકવવું નહીં પડે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન લઈને ખેડૂતોને વ્યાજ ચૂકવવું પડતું હતું, પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે 1લી એપ્રિલ 2022થી ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવેલી કોઈપણ પ્રકારની લોન પર કોઈપણ વ્યાજ લેવામાં આવશે નહીં. આવો જાણીએ શું છે આ વાયરલ મેસેજનું સત્ય.


વાયરલ થઈ રહેલા કટિંગમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો ફોટો છે. આ કટિંગ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે. આ કટિંગમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ત્રણ લાખ સુધીની લોન પર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે, પરંતુ હવે મોદી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે અને લોનની રકમ વ્યાજમુક્ત કરી દીધી છે. વાયરલ કટિંગ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ માટે એક પત્ર જારી કરવામાં આવ્યો છે. આ પત્ર અનુસાર મોદી સરકારના આ નિર્ણયથી સરકારનો બોજ વધશે. સરકારે 16,000 કરોડનો વધારાનો બોજ ઉઠાવવો પડશે, પરંતુ આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો છે.


જોકે આ મામલે કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો એટલે કે પીઆઈબીએ (PIB) ખુલાસો કર્યો છે. પીઆઈબીએ કહ્યું છે કે, કિસાન ક્રેડિટ કાર્ડને લઈને જે દાવો કરવામાં આવ્યો છે તે સંપૂર્ણ રીતે ખોટો છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જ જાહેરાત કરી નથી. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું કે, “એક અખબારની નકલી તસવીર દાવો કરી રહી છે કે 1 એપ્રિલ, 2022થી કિસાન ક્રેડિટ કાર્ડ પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. #PIBFactCheck. કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવેલી ₹3 લાખ સુધીની લોન પર7% વ્યાજ દર લાગુ રહેશે.”






PIB ફેક્ટ ચેક (PIB Fact Check) શું છે?


નકલી સમાચારનો સામનો કરવા માટે, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ વિશેના સમાચારોની ચકાસણી કરવા માટે PIB ફેક્ટ ચેક ટીમ તરીકે ઓળખાતા 'ફેક્ટ ચેકિંગ યુનિટ'ની રચના કરી છે. તમે PIB ફેક્ટ ચેક ટીમ દ્વારા ચેક કરાયેલા કોઈપણ મેસેજની સત્યતા પણ મેળવી શકો છો. આ અંતર્ગત મીડિયામાં સરકાર અને સરકારી યોજનાઓ સાથે જોડાયેલા સમાચારોની સત્યતા જાણવામાં આવે છે. જો તમારી પાસે પણ કોઈ શંકાસ્પદ સમાચાર હોય તો તમે તેને factcheck.pib.gov.in અથવા whatsapp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ વિશે વધુ માહિતી PIBની વેબસાઇટ pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.