નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર સાથે ગઈ કાલે ચાલેલી ત્રણ કલાકની વાતચીત બાદ ખેડૂતોએ આજે ફરી સ્પષ્ટ કરી દીધું છે કે, ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં આવે. દિલ્હી બોર્ડર પર ખેડૂત સંગઠનોએ પત્રકાર પરિષદ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ખડૂતોનું કહેવું છે કે, સરકાર લાંબી ચર્ચા કરીને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેની સાથે જ ખેડૂતોએ એકવાર ફરી કહ્યું કે, નાની કમિટીથી કામ નહીં ચાલે.

ખેડૂત નેતાએ કહ્યું- કેન્દ્ર સાથે વાતચીત માટે ખેડૂતોની નાની કમિટી નહીં બને. અમે સાત કે દસ પેજનો ડ્રાફ્ટ સરકારને મોકલીશું. સરકાર નહીં માને તો આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોની માંગ છે કે, સંસદનું વિશેષ સત્ર બોલાવીને કૃષિ કાયદો રદ કરવામાં આવે. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચડૂનીએ કહ્યું કે, ‘જો કેન્દ્ર સરકાર અમારી માંગ જલ્દી નહીં માને તો ખેડૂતો સખ્ત પગલા ઉઠાવી શકે છે. બગાવત જેવી સ્થિતિ પેદા ન થાય તે માટે સરકાર ખેડૂતોની માંગને જલ્દી પૂરી કરે.’


પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત નેતાઓએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે, કેન્દ્ર કાયદાને રદ નહીં કરે તો દિલ્હીને ચારે બાજુથી બંધ કરી દેવામાં આવશે. મોદીની ભાષાજ તેમના અધિકારીઓ અને મંત્રીઓ બોલી રહ્યાં છે. શું ખેડૂત અભણ છે ? શું કૃષિના ફાયદા નુકસાન ખેડૂત નથી જાણતો ? એક દિવસ સંસદનું વિશેષ સત્ર બોલાવવું પડશે, નહીં તો વર્ષ કે છ મહિના લાગશે તો પણ આંદોલન ચાલુ રહેશે.