નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની કેન્દ્ર સરકાર પર કાશ્મીર ઘાટીમાં અસંતોષનો અવાજ કચડવા માટે ક્રૂર તાકાતનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. બેનર્જીએ કહ્યું કે, દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓની આગેવાનીમાં સેવાનિવૃત અધિકારીઓ કરી રહ્યા છે જે સરકારની હા માં હા કરી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓની  એક રેલીમાં કહ્યું કે, કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે. સરકાર ઘાટીમાં અસંતોષના અવાજને કચડવા માટે ક્રૂર તાકાતનો ઉપયોગ કરી રહી છે.


મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓની ધરપકડ કરવાનો પડકાર આપ્યો હતો. અને કહ્યું કે, તે ભાજપ સામે ઝૂકશે નહીં. તમામ સંસ્થાઓનું નેતૃત્વ સેવાનિવૃત અધિકારીઓ પાસે છે જેની કોઇ જવાબદેહી નથી. તે સરકારની હામાં હા કહી રહ્યા છે.

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશ શાસનની રાષ્ટ્રપતિ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યો છે અને લોકતંત્ર માટે કોઇ સ્થાન નથી. કેન્દ્ર સરકાર વિપક્ષી નેતાઓને ધમકી આપી રહ્યા છે અથવા પૈસાથી તેમને ખરીદી રહી છે. હવે બંગાળની પાછળ પડી છે કારણ કે અમે તેમની નીતિઓ અને વિભાજનકારી રાજનીતિનો વિરોધ કરી રહ્યા છીએ.