નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં સ્થિત મંડુઆડીહ રેલવે સ્ટેશન હવે બનારસ નામથી ઓળખાશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે નામ બદલવાની  મંજૂરી આપી દીધી હતી. કેન્દ્રિય રેલવે મંત્રી પિયૂષ ગોયલે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.




ગોયલે લખ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સંસદીય ક્ષેત્ર વારાણસીના મંડુઆડીહ સ્ટેશનને હવે આખા સ્ટેશનમાં લોકપ્રિય અને પ્રસિદ્ધ નામ બનારસથી ઓળખવામાં આવશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ દ્ધારા, કેન્દ્ર સરકારના એનઓસીના આધાર પર આ સ્ટેશનનું નામ બદલીને બનારસ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

આ અગાઉ 17 ઓગસ્ટના રોજ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે મંડુઆડીહ રેલવે સ્ટેશનનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ગૃહમંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, મંડુઆડીહ રેલવે સ્ટેશનનું નામ બદલીને બનારસ રાખવા માટે એનઓસી જાહેર કર્યું હતું.

નોંધનીય છે કે કોઇ પણ સ્થાનનું નામ બદલવાના પ્રસ્તાવને રેલવે મંત્રાલય, પોસ્ટ વિભાગ અને સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી એનઓસી લીધા બાદ મંજૂરી આપવામાં આવે છે. કોઇ રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં સાધારણ બહુમતથી બંધારણમાં સંશોધનની જરૂર હોય છે.