નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં બદલતા હાલત પર સૈન્ય પ્રમુખ બિપિન રાવતે આતંકી ઓપરેશનને લઇને નિવેદન આપ્યું છે. સૈન્ય અધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને કારણે આતંકીઓ વિરુદ્ધ સૈન્ય ઓપરેશન પર કોઇ ખાસ ફેર નહી પડે. કાશ્મીરમાં બીજેપીએ પીડીપી સાથે સરકારમાં હતી. મંગળવારે અચાનક બીજેપીએ પીડીપી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી અને  પીડીપીની સરકાર પડી ગઇ અને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયું હતું.
રાજનીતિક દબાણને લઇને પૂછાયેલા સવાલ પર સૈન્ય પ્રમુખે કહ્યું કે, ઓપરેશન અગાઉ પણ ચાલી રહ્યા હતા અને બાદમાં અમે સસ્પેશન ઓફ ઓપરેશનનો માહોલ પણ જોયો હતો. અમે ઇચ્છતા હતા કે ત્યાંની જનતાને રમઝાન દરમિયાન નમાજ અદા કરવામાં કોઇ પરેશાની ના થાય. આ દરમિયાન આતંકીઓએ પોતાના હુમલા ચાલુ રાખ્યા હતા. અમારી કાર્યવાહી અગાઉની જેમ જ ચાલુ રહેશે. અમારા પર રાજનીતિક ફેરફારની કોઇ અસર થશે નહીં. અમારા પર કોઇ રાજકીય દબાણ નથી. સૈન્યના પોતાના નિયમો છે અને અમે તે પ્રમાણે કાર્યવાહી કરીશું.