નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીએ મેહબુબા સરકાર સાથેનો ટેકો પાછો ખેંચી લીધો છે. હવે રાજ્યપાલ શાસન લાદવામાં આવે તેવું નક્કી થઇ ગયું છે. રાજ્યપાલ એનએન વોહરાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રિપોર્ટ મોકલ્યો છે. આ રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરના સંવિધાનના સેક્શન 92 હેઠળ રાજ્યપાલ શાસન લાદવાની ભલામણ કરી છે. ભાજપે ટેકો પાછો ખેંચી લેતા મેહબૂબા મુફ્તીની સરકાર પડી ગઈ અને તેણે રાજીનામું આપવું પડ્યું છે.
કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપે પીડીપી સાથે ગઠબંધન સરકાર બનાવીને મોટી ભૂલ કરી હતી. તેમણે પણ સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો છે. ત્યાં નેશનલ કૉન્ફ્રેંસ નેતા અમર અબ્દુલ્લાએ પણ મુફ્તી સરકારને સમર્થન આપવાની વાતને નકારી દીધી છે. તમામ પાર્ટીના ઇનકાર બાદ હવે રાજ્યપાલ શાસન લાદવાનો જ રસ્તો બચ્યો છે.
મેહમબુબા મુફ્તીએ રાજીનામું આપ્યા બાદ મીડિયા સામે પોતાની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું આ કડક નીતિ નહીં ચાલે. તેમણે કહ્યું સત્તા માટે ગઠબંધન નથી કર્યું પરંતુ એક મોટા મકસદ માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે હવે કોઈની સાથે સરકાર નહીં બનાવે.