નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ ગાઇડલાઇન્સ-2022ને મંજૂરી આપી છે.હવે ભારતીય ટેલિપોર્ટ વિદેશી ચેનલોને અપલિંક કરી શકશે. અગાઉ આ કાર્યક્રમોના લાઈવ ટેલિકાસ્ટ માટે કોઈ પૂર્વ પરવાનગી ન હતી. અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટેની માર્ગદર્શિકા છેલ્લે 2011માં જાહેર કરવામાં આવી હતી અને તેમાં સુધારો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું હતું કે અમે લગભગ 11 વર્ષ પછી નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. અમે આ માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ લીધી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે કરેલા સુધારાઓને અનુરૂપ અમે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના સંદર્ભમાં પણ ઘણા સુધારા કર્યા છે. અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે, અમે એવી જોગવાઈ કરી છે કે રાષ્ટ્રીય મહત્વ અથવા રાષ્ટ્રીય હિતની વસ્તુઓ માટે 30 મિનિટનો સ્લોટ આપવામાં આવે. આ માટે મહિલા સશક્તિકરણ, કૃષિ, શિક્ષણ જેવી 7-8 થીમ આપવામાં આવી છે. અમે બધાને સમાન તક આપવાનો પ્રયાસ કર્યો છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે એક મહિનામાં સેટેલાઇટ ટેલિવિઝન ચેનલોના 'અપલિંકિંગ'ને નિયંત્રણ મુક્ત કરી દેશે. સરકારના આ પગલાનો હેતુ ભારતને 'અપલિંકિંગ'નું મુખ્ય કેન્દ્ર બનાવવાનો છે. વાસ્તવમાં સેટેલાઇટ ટેલિકોમ્યુનિકેશન્સમાં અપલિંક એ ગ્રાઉન્ડ સ્ટેશનથી સેટેલાઇટ સુધીની લિંક છે. બીજી તરફ ડાઉનલિંક એ સેટેલાઇટથી નીચે એક અથવા વધુ ગ્રાઉન્ડ સ્ટેશનો વચ્ચેની લિંક છે.
અપૂર્વ ચંદ્રાએ કહ્યું હતું કે સી બેન્ડ સિવાયના ફ્રીક્વન્સી બેન્ડમાં અપલિંક કરતી ટીવી ચેનલોએ તેમના સિગ્નલને એન્ક્રિપ્ટ કરવું ફરજિયાત છે. માત્ર એક ટેલિપોર્ટ/સેટેલાઇટની સરખામણીમાં એક કરતાં વધુ ટેલિપોર્ટની સુવિધાઓનો ઉપયોગ કરીને ચેનલને અપલિંક કરી શકાય છે. ટેલિપોર્ટ ઓપરેટર વિદેશી ચેનલને ભારતની બહાર ડાઉનલિંક કરવા માટે અપલિંક કરી શકશે.