નવી દિલ્હીઃ વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા આપતી કંપની ઝૂમ પર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. ગૃહ મંત્રાલયે સુરક્ષાનું જોખમનો ઉલ્લેખ કરીને અધિકારીઓને ઝૂમની સર્વિસ નહીં ઉપયોગમાં લેવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક ચેલેન્જ શરૂ કરી છે. જે મુજબ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત વીડિયો કોન્ફરન્સ માટે શ્રેષ્ઠ ટેકનોલોજી ડેવલપ કરનારી ટીમને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

વિજેતા ટીમે બનાવેલી વીડિયો કોન્ફરન્સ એપનો કેન્દ્ર અને રાજ્ય સરકારો એક વર્ષ માટે ઉપયોગ કરશે. જે બાદ ડેવલપર ટીમને એપ મેન્ટેનેંસ માટે વાર્ષિક 10 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટ તરીકે આપવામાં આવશે.

મેક ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આ એપ માત્ર સ્ટાર્ટ અપ કંપની કે ટીમ જ બનાવી શકે છે. આ ચેલેન્જમાં હિસ્સો લેવા માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 30 એપ્રિલ છે, 7 મે સુધી આઈડિએશન આપી શકાય છે.

વિજેતાની જાહેરાત 29 જુલાઈ, 2020ના રોજ કરવામાં આવશે.

આ બાબતો રાખવી પડશે ધ્યાનમાં

- એપ બનાવવા ભાગ લેનારી તમામ ટીમે તેમનો એપ કોન્સેપ્ટનો ડિટેલ રિપોર્ટ આપવો પડશે. કુલ 10 ટીમોની પસંદગી કરવામાં આવશે. આ તમામ ટીમોને 5 લાખ રૂપિયાનું ઈનામ અપાશે.
- પસંદ થયેલી 10 ટીમોએ ભારત સરકારના જ્યૂરી સમક્ષ એપનું પ્રોટોટાઈપ રજૂ કરવું પડશે. આ રાઉન્ડમાં 3 ડેવલપર ટીમ સિલેક્ટ થશે. આ ટીમોને તેમની એપ કમ્પલીટ કરવા માટે 20 લાખ રૂપિયાનું ફંડ અપાશે.
- અંતિમ સ્ટેપમાં ભારત સરકાર વિજેતા ટીમની જાહેરાત કરશે. વિજેતા ટીમને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મિનિસ્ટ્રી તરફથી વિજેતા ટીમના મેમ્બર્સને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.