નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પહોંચી ગઇ છે. ગુરુવારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને લોકસભામાં આ જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર સતત તમામ રાજ્ય સરકારના સંપર્કમાં છે. અને દરરોજ ડિટેઇલ રિપોર્ટ માંગી રહી છે. તે સિવાય ભારત સરકાર તરફથી વિદેશથી ભારતીયોને લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.


ડો.હર્ષવર્ધને કહ્યુ કે, સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કેરલમાં જ્યારે શરૂઆતમાં ત્રણ કેસ આવ્યા ત્યારથી અમે રાજ્ય સરકારના સંપર્કમાં છે. તમામ રાજ્ય સાંજે તમામ જાણકારી કેન્દ્રને આપે છે.

લોકસભામાં મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે, વિદેશથી આવેલા લોકો પર નજર રાખી રહી છે. સ્ક્રીનિંગમાં પણ કોઇ પણ પ્રકારની સમસ્યા નથી. 17 જાન્યુઆરીથી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને કોચ્ચિ જેવા એરપોર્ટમાં સ્ક્રીનિંગ શરૂ થઇ હતી પરંતુ હવે 30 એરપોર્ટ પર તપાસ થઇ રહી છે.

તેમણે કહ્યુ કે, કોરોના વાયરસનો ટેસ્ટ કોઇ સામાન્ય લેબમાં થઇ શકતો નથી. જેના કારણે દેશના અનેક હિસ્સામાં 51 લેબ બનાવવામાં આવી છે. તે સિવાય 56 સ્થળો પર કલેક્શન સેન્ટર છે. સરકાર એક આખી લેબ અને વૈજ્ઞાનિકોને ઇરાન મોકલ્યા છે, હજુ તેમાં કસ્ટમની સમસ્યા છે.