નવી દિલ્હી: મધ્યપ્રદેશ બાદ હવે હરિયાણામાં રાજ્યસભાની બેઠકને લઈને કૉંગ્રેસ તુટવાના એંધાણ છે. હરિયાણામાં કૉંગ્રેસને એક રાજ્યસભા બેઠક મળવાની છે. પરંતુ નિર્ણય પહેલા જ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેંદ્ર સિંહ હુડ્ડાએ દિલ્હીમાં 24 ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કરી સંકેત આપ્યા છે કે તેમના વગર રાજ્યસભાની બેઠકનો નિર્ણય નહી થઈ શકે.


હરિયાણાથી હાલ કુમારી શૈલજા રાજ્યસભામાં છે અને સાથે તેઓ હરિયાણા પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ પણ છે. આ વાતને મુદ્દો બનાવી ભૂપેંદ્ર હુડ્ડાએ કહ્યું, જો કુમારી શૈલજાને રાજ્યસભા મોકલવા હોય તો હરિયાણા કૉંગ્રેસ અધ્યક્ષનું પદ દીપેંદ્ર હુડ્ડાને આપવામાં આવે. તેમણે કહ્યું, જો કુમારી શૈલજાને અધ્યક્ષ રહેવું હોય તો દીપેંદ્ર હુડ્ડાને રાજ્યસભા મોકલવામાં આવે.

આ સાથે જ ભૂપેંદ્ર સિંહ હુડ્ડાએ કૉંગ્રેસ હાઈકમાન્ડ સામે શરત રાખી છે કે રણદીપ સુરજેવાલાને કોઈ પણ રાજ્યમાંથી રાજ્યસભા મોકલવામાં ન આવે. પહેલા કુમારી શૈલજા અને હવે રણદીપ સુરજેવાલની મશ્કેલીમાં વધારો થઈ શકે છે.

હરિયાણામાં કુલ 31 ધારાસભ્યો કૉંગ્રેસ પાસે છે. જેમાંથી મોટા ભાગના સભ્યો હુડ્ડાના સમર્થક માનવામાં આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થયા બાદ કૉંગ્રેસમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ગણિત બદલાઈ ગયું છે.