Work From Home: વર્ક ફ્રોમ હોમ ( Work From Home ) હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓ ( Employees) માટે સરકાર એક વ્યાપક લીગલ ફ્રેમવર્ક બનાવવાની તૈયારીમાં છે જે ઘરેથી કામ કરનારા કર્મચારીઓ પ્રત્યે નોકરીદાતાઓની જવાબદારી વ્યાખ્યાયિત કરશે. વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરથી કામ કરનારા કર્મચારીઓને લઇને સરકાર એક લીગલ ફ્રેમવર્ક તૈયાર કરવા માંગે છે જેનાથી કર્મચારીઓની હિતોની રક્ષા કરી શકાય.
મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર વર્ક ફ્રોમ હોમને લઇને એક લીગલ ફ્રેમવર્ક બનાવવા માંગે છે જેમાં ઘરેથી કામ કરનારા કર્મચારીઓ માટે કામ કરવાના કલાકો નક્કી કરવાની સાથે વિજળી અને ઇન્ટરનેટ ખર્ચમાં થયેલા વધારાને લઇને કેવી રીતે ચૂકવણી કરવામાં આવે તેવા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વિષયોને લઇને નિષ્ણાંતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ક ફ્રોમ હોમ નામે શરૂ થયેલી નવી સિસ્ટમનો અભ્યાસ કરવા માટે એક કન્સલટેન્સી ફર્મની નિમણૂક કરવા પર વિચાર કરી રહી છે.
વાસ્તવમાં માર્ચ 2020માં કોરોના વાયરસની શરૂઆત થઇ ત્યારથી દેશમાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે. અનેક કંપનીઓમાં હાલમાં વર્ક ફ્રોમ હોમ હેઠળ કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. હવે તો કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોમ પણ આવી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે ફરીથી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહી શકે છે.
સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં એક સ્થાયી આદેશના માધ્યમથી સર્વસિઝ સેક્ટર માટે વર્ક ફ્રોમ હોમને ઔપચારિક રૂપ આપ્યું હતું જેનાથી નોકરીદાતાઓ અને કર્મચારીઓને કામના કલાકો અને અન્ય સેવા શરતો પર પારસ્પરિક રીતે નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ પગલાને એક સાંકેતિક શરૂઆતના રૂપમાં જોવામાં આવતું હતું કારણ કે સેવા ક્ષેત્ર જેમાં મોટા પ્રમાણમાં આઇટી અને આઇટીઇએસ સામેલ છે. અગાઉથી વિશેષ પરિસ્થિતિઓમાં કર્મચારીઓને ઘરેથી કામ કરાવવામાં આવી રહ્યું છે.
કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ ફક્ત આઇટી અને આઇટીઇએસ ક્ષેત્ર સુધી સિમિત નથી. એટલા માટે સરકાર હવે તમામ સેક્ટર્સ ક્ષેત્રો માટે એક વ્યાપક ઔપચારિક ફ્રેમ વર્ક તૈયાર કરવા માંગે છે. અનેક દેશોમાં વર્ક ફ્રોમ હોમને લઇને જોગવાઇઓ અગાઉથી બનેલી છે. પોર્ટુગલમાં તાજેતરમાં જ કાયદો બનાવી કંપની પરિસરથી દૂર કામ કરનારા કર્મચારીઓની વધુ સુરક્ષા માટે શ્રમ નિયમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. હવે ભારત સરકાર પણ વર્ક ફ્રોમ હોમને કાયદાકીય રૂપ આપવા માટે કાયદો લાવવાની તૈયારીમાં છે.