નવી દિલ્લી: સાતમા પગાર પંચને લઈને સરકાર મહત્વના નિર્ણય લઈ શકે તેવા અહેવાલ છે. જાણકારી અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડબલ બોનસ આપવામાં આવશે અને ઓગસ્ટ મહિનાથી કર્મચારીઓને નવા પગારધોરણ સાથેનો પગાર આપવામાં આવશે.

સરકાર 1લી ઓગસ્ટ,2016થી નવા પગારધોરણ મુજબનો પગાર કર્મચારીઓના ખાતામાં જમા કરાવવા માટે તજવીજ કરી રહી છે. કેન્દ્રના આશરે 47 લાખ કર્મચારીઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. તેમજ 52 લાખ પેન્શનર્સ મોદી સરકારના વાયદા પ્રમાણે પણ પોતાના મહિનાના પેંશનમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. સાતમાં પગારપંચની જોગવાઈઓ જુલાઈ મહિનાથી લાગુ પડશે અને ઓગસ્ટ મહિનાના પગાર આ મુજબ જમા થશે.

ગુરૂવારે આવેલા મીડિયા રિપોર્ટ્સ  મુજબ જાન્યુઆરીથી જુલાઈ સુધીના નવા ધોરણ મુજબના પગાર દશેરા પહેલા કર્મચારીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે.

કમિશનમાં કામ કરી રહેલા એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે એક અંગ્રીજી અખબારને જણાવ્યું કે કેન્દ્રના કર્મચારીઓને જુલાઈ મહિનામાં નવા ધોરણ મુજબના પગાર 1લી ઓગસ્ટના રોજ જમા કરાવવામાં આવશે.

મંગળવારે યોજાયેલી એક બેઠકમાં કેબિનેટ સેક્રેટરી પી કે સિંહા અને એમ્પાવર્ડ કમિટિ ઓફ સેક્રેટરીએ એક ફાઈનલ રિપોર્ટ આપ્યો હતો. આ રીપોર્ટમાં 30% પગાર વધારો એટલે કે સેક્રેટરીની પેનલે નવેમ્બર મહિનામાં નક્કી કર્યુ હતું તેના કરતા વધારે આપવામાં આવશે.

આ કમિશને પહેલા બેઝીક પગાર 18000 અને વધુમાં વધુ 2,50,000ની જોગવાઈ કરી હતી.  પણ હવે 30 ટકાના વધારા સાથે બેઝીક પે 23,500 અને વધુમાં વધુ 3,25,000 થઈ છે. આ રિફોર્મથી સેન્ટ્રલ બજેટ પર 73,650 કરોડની સીધી અસર અને રેલ બજેટ પર 28,450 કરોડની અસર થશે.