નવી દિલ્હીઃ મોદી સરકાર 19થી 23 જૂન દરમિયાન કેબિનેટમાં ફેરબદલ કરી શકે તેવી શક્યતાઓ છે. યુપીમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક નેતાઓને મહત્વના પદ આપી શકાય છે. સૂત્રો પ્રમાણે, મોદી ટૂંક જ સમયમાં મંત્રીમંડળની પુનર્રચના કરવા માંગે છે જેથી કેટલાક બાકી રહી જતા કામનો નિકાલ લાવી શકાય.

રાજસ્થાનના નેતા ઓમ માથુર અને અર્જુન મેઘવાલને મંત્રી બનાવવામાં આવી શકે છે. યુપીમાં આવતા વર્ષે થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનોજ સિન્હા અને સંજીવ બાલિયાનને પ્રમોટ કરવામાં આવી શકે છે. બંન્ને હાલ રાજ્યમંત્રી છે. પાવર મિનિસ્ટ્રીનો સ્વતંત્ર ચાર્જ રાખનારા પીયુષ ગોયલ પણ પ્રમોટ થઈ શકે છે.

રાજ્યસભાથી સાંસદ ઓમ માથુર મંત્રી બની શકે છે. તેઓ હાલ યુપીમાં પાર્ટીનું કામકાજ જોઈ રહ્યા છે. અલહાબાદથી સાંસદ શ્યામ ચરણ ગુપ્તા મંત્રી બની શકે છે. મળતી માહિતી પ્રમાણે, યુપીમાં વિધાનસભા ચૂંટણીને જોતા આ નિર્ણય લેવામાં આવી શકે છે. આસામથી રમેન ડેકાને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. રાજ્યસભામાં સાંસદ એવા વિનય સહસ્ત્રબુદ્ધેને પણ મંત્રી બનાવી શકાય છે.

જેમને મંત્રાલયમાંથી હટાવવામાં આવશે તેમાં ગિરિરાજ સિંહનું નામ મોખરે છે. બિહારથી આવતા લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી તેમના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે. માઇનોરિટીઝ મંત્રી નજમા હેપતુલ્લાની ખુરશી પણ મુશ્કેલીમાં છે. જ્યારે, રસાયણ મંત્રી નિહાલચંદ કે જેમના પર બળાત્કારનો આરોપ છે તે  પણ ખુરશી ગુમાવી શકે છે.

કેબિનેટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર સ્પોર્ટ્સ(ઇન્ડીપેન્ડન્ટ ચાર્જ)ની જગ્યા સર્વાનંદ સોનોવાલનાં આસામના સીએમ બન્યા બાદ ખાલી પડી છે. એ પ્રકારની ચર્ચા પણ થઈ રહી છે કે, વડાપ્રધાન કેટલાક મંત્રીઓની ખરાબ કામગીરીના કારણે કોઈ નાનો વિભાગ આપી શકે છે.

અરુણ જેટલી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નિતિન ગડકરીના વિભાગમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે તે મોદીએ અને તેમના કેબિનેટે 26 મે, 2014ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ માત્ર એક વાર જ નવેમ્બર, 2014માં કેબિનેટમાં ફેરફાર કર્યા હતા. જેમાં મોટા ચહેરામાં શિવસેનામાંથી આવેલા સુરેશ પ્રભુ અને ગોવાના મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકરને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

હાલ મોદીની કેબિનેટમાં  66 મંત્રીઓમાંથી 13 ઉત્તર પ્રદેશથી, 8 બિહરાથી, 8 મહિલાઓ,  7 મહારાષ્ટ્રથી છે. 34 મંત્રી સ્પેશ્યાલિસ્ટ, તેમાં 15 વકીલ છે, અને 7 મંત્રી સંઘ સાથે જોડાયેલા છે.