ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે નાગરિકતા અધિનિયમ 1955 અનુસાર, તાસીરને ઓસીઆઈ કાર્ડ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે, કારણ કે તેમણે પોતાના પિતા પાકિસ્તાની મૂળના હોવાની વાત નાગરિકતા માટે એપ્લાય કરતી વખતે છુપાવી હતી. ઓસીઆઈ કાર્ડ કોઈ એવા વ્યક્તિને આપવામાં નથી આવતું જેમના માતા પિતા કે દાદા-દાદી પાકિસ્તાની હોય.
જો કે, ગૃહ મંત્રાલયે એ વાતની સ્પષ્ટતા કરતા કહ્યું કે, ટાઈમ મેગઝિનમાં પીએમ મોદી વિશે લખેલા આર્ટિકલ બાદ તાસીરનું ઓસીઆઈ કાર્ડને રદ્દ કરવામાં આવ્યું નથી. તાસીરે પોતાના પિતા પાકિસ્તાની હોવાની જાણકારી આપી નહોતી.
ગૃહ મંત્રાલય દ્વારા પોતાનો ઓસીઆઈ કાર્ડ રદ્દ કરવા પર પ્રતિક્રિયા આપતા આતિશ તાસીરે ટ્વીટ કરી કહ્યું કે તેને જવાબ આપવા માટે 21 દિવસ નહીં, પણ માત્ર 24 કલાક જ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આતિશ પાકિસ્તાનના દિવંગત નેતા સલમાન તાસીર અને ભારતના પત્રકાર તવલનસિંહનો પુત્ર છે. તેમના પિતા પાકિસ્તાના પંજાબના ગવર્નર હતા. જેમની 2011માં ધર્મનિંદાના આરોપસર એક સુરક્ષા કર્મીએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.
શું છે ઑવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા કાર્ડ ?
નાગરિકતા કાયદા પ્રમાણે ભારતમાં બે નાગરિકતા માન્ય નથી. જો કે સતત ઉઠી રહેલી માંગ બાદ તેના વિકલ્પ તરીકે ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા કાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા ભારતીય મૂળના વિદેશી નાગરીકો ભારતમાં વગર વીઝા આવવા અને અનિશ્ચિતકાળ સુધી કામ કરવાની મંજૂરી મળી જતી હતી. આતિશ તાસીર પણ ઓસીઆઈ કાર્ડધારક હતા.