લખનઉઃ અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને ઉત્તર પ્રદેશની સરકાર એલર્ટ છે. ગાજિયાબાદ વહીવટીતંત્રએ પેટ્રોલ, એસિડ સહિત જ્વલનશીલ પદાર્થોના જાહેરમાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગાજિયાબાદના એસડીએમ સદરે શુક્રવારે આદેશ આપ્યો હતો અને તેનું પાલન નહી કરનારા પર કાર્યવાહીની ચેતવણી અપાઇ હતી. આ સાથે પોલીસે ફ્લેગ માર્ચ કાઢી હતી.


સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોઇ 17 નવેમ્બરના રોજ નિવૃત થતા અગાઉ અયોધ્યા મામલાના સંભવિત ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા હતા. ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશ અને આસપાસના રાજ્યોને અતિ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવાના આદેશ આપ્યા છે.

ગૃહ મંત્રાલયે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય સરકારની સહાયતા માટે ઉત્તરપ્રદેશમાં અર્ધસૈનિક દળોની 40 કંપનીઓ મોકલી છે. જ્યારે વડાપ્રધાન મોદીએ પોતાના તમામ મંત્રીઓને અયોધ્યાના ચુકાદા પર નિવેદનબાજી નહી કરવા કહ્યું છે.

ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિઓને લઇને ગુરુવારે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં ડીજીપી ઓપી સિંહ, મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. તે સિવાય મુખ્યમંત્રી યોગીએ તમામ જિલ્લાના ડીએમ સાથે વીડિયો કોન્ફરસિંગ મારફતે બેઠક કરી હતી.