મુંબઇઃ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સરકારની રચનાને લઇને ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ફડણવીસ ભાજપના નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભાનો કાર્યકાળ શનિવારે ખત્મ થઇ રહ્યો છે તેમ છતાં હજુ સુધી એ નક્કી થઇ શક્યું નથી કે સરકાર કોણ બનાવશે.


મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મારી પાસે સારા સમાચાર છે. મારું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. મને મહારાષ્ટ્રની સેવા કરવાની તક મળી. હું મહારાષ્ટ્ર, મોદી, શાહ, નડ્ડા અને અમારા તમામ નેતાઓનો આભારી છું. સાથે ફડણવીસે સહયોગીઓનો પણ આભાર માન્યો હતો.

ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં અમને લોકસભા ચૂંટણી દરમિયાન એક મોટો જનાદેશ મળ્યો. અમારા ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. અમે 160થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યા. ભાજપ 105 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.


ફડણવીસે કહ્યું કે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદને લઇને કોઇ વાત થઇ નથી. મારી સામે ક્યારેય પણ અઢી વર્ષ મુખ્યમંત્રી પદ પર ચર્ચા થઇ નથી. ઉદ્ધવે સરકાર બનાવવાની વાત કરી હતી. મહારાષ્ટ્રમાં જનાદેશ ગઠબંધનને મળ્યો હતો.

એક તરફ શિવસેના 50-50 ફોર્મુલા હેઠળ મુખ્યમંત્રી પદ પર અડગ છે તો બીજી તરફ ભાજપ શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવા માંગતી નથી. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને મુંબઇની રંગશારદા હોટલમાં રાખ્યા છે જેથી તે પાર્ટીને તૂટતી બચાવી શકે.