નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં ‘સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ અધિનિયમ’ (SPG)માં સંશોધન બિલ રજૂ કરશે જેમાં કોઇ પૂર્વ વડાપ્રધાનના પરિવારને એસપીજીની સુરક્ષાના દાયરાથી બહાર રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. કેબિનેટે અગાઉથી જ એસપીજી કાયદામાં સંશોધન બિલને મંજૂરી આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ગાંધી પરિવાર પાસેથી એસપીજી સુરક્ષા પાછી ખેંચી લીધી હતી અને તેમની સુરક્ષાની જવાબદારી હવે સીઆરપીએફને સોંપવામાં આવી છે.
સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યુ કે, સોમવારે એસપીજી અધિનિયમમાં સંશોધન માટે બિલ લાવવામાં આવશે. નોંધનીય છે કે પ્રતિષ્ઠિત એસપીજી કમાન્ડો દેશના વડાપ્રધાન, તેમના પરિવારજનો, પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારજનોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. સુરક્ષા સંબંધી ખતરાના આધાર પર આ સુરક્ષા પ્રદાન કરે છે. પ્રસ્તાવિક બિલમાં પૂર્વ વડાપ્રધાનના પરિવારના સભ્યોને એસપીજી સુરક્ષાના દાયરામાંથી બહાર રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે, એસપીજી કાયદા હેઠળ પૂર્વ વડાપ્રધાનને પદ છોડ્યાના એક વર્ષ સુધી અથવા પછી ખતરાની સમીક્ષાના આધાર પર એસપીજી સુરક્ષા આપવાની જોગવાઇમાં પરિવર્તન કરવામાં નહી આવે. કોગ્રેસે છેલ્લા સપ્તાહમાં સંસદમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિહ અને કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ તથા સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી ખેંચી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, ભાજપે કહ્યુ હતું કે, આ નિર્ણય ગૃહમંત્રાલયનો છે અને તેમાં કોઇ રાજનીતિ નથી.