નવી દિલ્લી: સંસદનું ચોમાસું સત્ર અત્યાર સુધી હંગામેદાર રહ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં કોઈને કોઈ મુદ્દા પર શાસક પક્ષ અને વિપક્ષ સામ-સામે રહ્યા છે. ત્યારે તમામ વાતો વચ્ચે કેંદ્ર સરકાર મંગળવારના બદલે બુધવારે રાજ્યસભામાં ચર્ચા માટે જીએસટી બિલ રજૂ કરશે. આ પરિવર્તન વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ વારાણસીમાં હોવાના કારણે કર્યું છે. જ્યારે બીજેપી પોતાના તમામ સાંસદો માટે વ્હિપ પણ જાહેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે બિલમાં ત્રણ બિંદુઓ પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેનું ધ્યાન રાખીને ગત દિવસોમાં બિલમાં બે સંશોધન કરવામાં આવ્યા છે. તેમાં કોંગ્રેસની એક માંગનો પણ સમાવેશ થાય છે. જાણકારી પ્રમાણે, સરકારે બિલ પર તમામ પક્ષો સાથે પરામર્શની પ્રક્રિયા પુરી કરી લીધી છે. મોદી સરકારને પુરો ભરોસો છે કે તે આ બિલ પર બે તૃતિયાસ બહુમતી મેળવી લેશે.
સરકારમાં બેઠેલી બીજેપીએ પોતાના સાંસદો માટે ત્રણ લાઈનનું વ્હિપ પણ જાહેર કર્યું છે. તેમાં તમામ સાંસદોને બુધવારે સદનમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે. બીજી બાજુ, કોંગ્રેસના સાંસદોના પૂર્વ નાંણા મંત્રી પી. ચિંદબરમ અને આનંદ શર્મા બિલમાં કરવામાં આવેવા સંશોધનો અને બારીકાઈને સંદનમાં અવગત કરાવશે.