નવી દિલ્હી: જીએસટી બિલને સોમવારે ફરી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. સોમવારે લોકસભાએ આ બિલને પસાર કરી દીધું હતું. બિલના સમર્થનમાં 443 વોટ પડ્યા હતા. જોકે, એઆઇએડીએમકેના સભ્ય વોટિંગ પહેલાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. નરેન્દ્ર મોદીએ લોકસભામાં બિલ અંગે જણાવ્યું કે,‘આ બિલ પાસ કરવું એ લોકોને ટેક્સ ટેરરિઝમમાંથી મુક્તિ અપાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય છે.’ સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે આ બિલના પસાર થવાથી કન્ઝ્યૂમર કિંગ બનશે. પીએમએ આ GSTને 'ગ્રેટ સ્ટેપ બાય ટીમ ઈંડિયા ગણાવ્યું હતુ.'


ગરીબોના વપરાશવાળી બધી વસ્તુઓ જીએસટી હેઠળ રાખવામાં આવી નથી. સરકારે ફુગાવાનો દર 4 ટકાએ સ્થિર કરવાનું આરબીઆઇને કહ્યું છે. જીએસટી બિલને આમ તો ગયા વર્ષે જ લોકસભાએ પસાર કરી દીધું હતું પરંતુ ગયા સપ્તાહે રાજ્યસભામાં થયેલા સુધારા મંજૂર કરાવવા માટે બિલને ફરી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બંધારણમાં 122મા સુધારા સાથે સંબંધિત આ બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થઇ ગયું છે. બિલને હવે રાજ્ય વિધાનસભાઓમાં મોકલવામાં આવશે. 50 ટકાથી વધુ રાજ્યોની મંજૂરી મળ્યા પછી બિલને રાષ્ટ્રપતિ મંજૂરી આપશે. ત્યાર પછી જીએસટી પરિષદની રચના થશે. પરિષદની ભલામણોને આધારે કેન્દ્ર સરકાર બે અને રાજ્ય સરકાર પોતાને ત્યાં માટે એક-એક કાયદા બનાવશે.