નવી દિલ્હી: આજે જીએસટી(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પરિષદની 41મી બેઠક દિલ્હી ખાતે મળી હતી. બેઠક બાદ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે નાણકીય વર્ષ 2020-21 દરમિયાન જીએસટી કલેક્શનમાં મોટો ઘટાડો નોંધાયો છે. જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયાનું અનુમાન છે. તેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાની ઘટ હોવા પાછળનું કારણ જીએસટી લાગુ કરવાનું છે.


જીએસટી પરિષદની બેઠક બાદ મહેસૂલ સચિવે કહ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે જીએસટી સંગ્રહ પર ખૂબજ ખરાબ અસર પડી છે. તેમણે કહ્યું કે, રાજ્યોના GST કોમ્પેન્સેશન માટે એપ્રિલથી જુલાઈ અવધિ દરમિયાન રૂપિયા 1.5 લાખ કરોડ બાકી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય કેન્દ્ર સરકાર પર બાકી નાણા આપવાની માંગ કરી રહ્યા છે. ગઈ કાલે જ આ મુદ્દાને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન સહિત સાત રાજ્યના મુખ્યમંત્રીઓ સામેલ થયા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કુદરતી સંકટના કારણે ચાલુ નાણાકીય વર્ષણાં અર્થવ્યવસ્થામાં ઘટાડો આવી શકે છે. તેમણે કહ્યું કે, પાંચ કલાક ચાલેલી જીએસટી પરિષદમાં રાજ્યોને વળતર આપવા માટેના બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. જે વિકલ્પો પર ચર્ચા થઈ, તે માત્ર ચાલુ નાણાકીય વર્ષ માટે છે.