મુંબઈ: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન મુજબ, ગુજરાત સહિત ચાર રાજ્યના લોકોએ મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવતા પહેલા કોવિડ 19 નો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાથી આવતા તમામ મુસાફરોએ પોતાનો કોરોના ટેસ્ટ બતાવવો પડશે.


મહારાષ્ટ્રમાં કોઈપણ એરપોર્ટ પર આગમન પહેલા 72 કલાક પહેલાનો રિપોર્ટ પાસે હોવો જરૂરી છે. જે લોકો પાસે રિપોર્ટ નહી હોય તેમણે એરપોર્ટ પર પોતાના ખર્ચે ટેસ્ટ કરવો પડશે. પ્રક્રિયા પૂરી થયા બાદ મુસાફર એરપોર્ટ પરથી જઈ શકશે. રિપોર્ટ બોર્ડિંગ એરપોર્ટ પર ચેક થશે. રિપોર્ટનું સેમ્પલ છેલ્લા 72 કલાક દરમિયાન લેવામાં આવ્યું હોવું જોઈએ. જો કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે નહી હોય તો મુંબઈ એરપોર્ટ પર પોતાના ખર્ચથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. ત્યારબાદ પોતાના ઘરે જઈ શકશો.

મુસાફરનો સંપર્ક નંબર અને એડ્રેસ મેળવવામાં આવશે. જેનો ટેસ્ટ એરપોર્ટ પર થશે અને રિપોર્ટ પોઝિટિવ આવશે, તેનો સંપર્ક કરી સારવાર કરાશે. તમામ પ્રક્રિયામાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

ટ્રેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરોએ આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. જેમની પાસે નેગેટિવ રિપોર્ટ નહી હોય તેમનું સ્ટેશન પર લક્ષણો અને તાવની તપાસ કરાશે, લક્ષણો નહી હોય તેમને જવા દેવામાં આવશે. જેમાં લક્ષણો હશે તેને અલગ કરી એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પ્રવેશ દરમિયાન છેલ્લા 96 કલાક દરમિયાન કરવામાં આવેલ ટેસ્ટ માન્ય ગણાશે.