gujarat election result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે ત્યારે હવે કોંગ્રેસી નેતાઓ સંતાવા માટે જગ્યા શોધી રહ્યા હોય એવું લાગે છે.  દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, તેમણે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી નાખ્યો છે અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની પાર્ટીને 39 લાખથી વધુ મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના સંસ્થાપકે ખુશી જાહેર કરી છે કે 10 વર્ષની અંદર તેમની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થવા જઈ રહી છે. 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું,  આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાઓ અને દેશવાસીઓને ખુબ-ખુબ શુભેચ્છા. તમારી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આજે ગુજરાત ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને ઘણી સીટના આવી રહ્યાં છે. ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જેટલા મત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળ્યા છે તે પ્રમાણે કાયદાકીય રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીઓ છે, જેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. તેમાં હવે આમ આદમી પાર્ટી સામેલ થઈ ગઈ છે. 


તમામ રેકોર્ડ તૂટ્યા


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.  આ સાથે પીએમ  મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે. 


ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો 1 લાખ 91 હજાર મતથી વિજય



ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે.  પ્રથમ વખત રાજ્યના તમામ જિલ્લામાં ભગવો લહેરાયો છે. ભાજપની ભવ્ય જીતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ટેલીફોનના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે.


ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ 182 સીટના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 154, આમ આદમી પાર્ટી 6, કોંગ્રેસ 18 અને અન્ય 4 સીટ પર આગળ છે.  વોટ શેરની વાત કરીએ તો ભાજપને 53.3 ટકા, કોંગ્રેસને 26.8 ટકા અને આમ આદમી પાર્ટીને 12.8 ટકા વોટ શેર મળ્યો છે.


માધવસિંહ સોલંકીના નામે કયો છે રેકોર્ડ


ખામ થીયરી માટે જાણીતા માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે, જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી  કોઈ તોડી શક્યું નથી.


ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે


રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.