નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું હતું કે ગુજરાત કૉંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે તેના જવાબમાં તેમણે કહ્યું કે, 12 હોય કે 15 હોય જેમને જવાનું છે એમને જવાની છૂટ આપી છે જેને જવાનુ હોય એ જાય કૉંગ્રેસને કોઈ નચાવવા માંગતો હશે તો કૉંગ્રેસ નાચશે નહી અને જે ગયા છે એમને પૂછો કે ત્યાં તમારી શુ દશા છે. ત્યાં કોઈ સચવાતા નથી અને કૉંગ્રેસ પાછા નથી લેતી. ચૂંટણીના સમયે જે લોકો જાય છે તેની રાજકીય કિંમત નથી, સામાજિક કિંમત નથી અને એમના પ્રમુખ કહે છે પાટીલ મારે એક પણ કૉંગ્રેસીને નથી લેવો તો આપના માધ્યમથી કહું છુ અને ગુજરાતમાં કહેવત છે કે થૂંકીને ચાટે છે પાટીલ, જ્યારે જ્યારે બોલે ત્યારે કૉંગ્રેસીને જોઈતો નથી અને કૉંગ્રેસી સિવાય ભાજપને ચાલવું નથી એવી નીતિ ભાજપને મુબારક છે.
ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાચતીતમાં કહ્યું કે, ગુજરાતમાં જ્યારે ચૂંટણીઓ આવવાની છે ત્યારે 6 એપ્રિલથી ગાંધી સંદેશ યાત્રા શરુ થઈ રહી છે ત્યારે એ યાત્રામાં આવવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે. ચૂંટણીને લઈ ચર્ચા અને સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ સાથે ગુજરાત પ્રભારી રધુ શર્મા અને અમે ચર્ચા કરી છે.
વધુમાં જગદીશ ઠાકોરે કહ્યું, 25 તારીખે ગુજરાત વિધાનસભામાં આદિવાસી ભાઈઓ તરફથી એક મોટો ઘેરાવનો કાર્યક્રમ છે. ગુજરાતમાં બેરોજગાર યુવાનો 25 લાખ હતા પેપર ફૂટવાના લગભગ નવ જેટલા બનાવો બન્યા એનાથી બેરોજગાર યુવાનોમાં ગુસ્સો છે. 28મી તારીખે બેરોજગાર યુવાનોને લઈ વિધાનસભાનો યુવક કૉંગ્રેસ દ્વારા પણ ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 24 તારીખે મહિલા કૉંગ્રેસનો કાર્યક્રમ છે તેમાં આખરી ઓપ આપી વિધાનસભામાં મોંઘવારીના મુદ્દે, મહિલાઓના મુદ્દે, ધોળા દિવસે ગળુ કાપી હત્યા કરી દેવામાં આવે બેન દિકરીઓની એવા અનેક બનાવો જે બન્યા છે ત્યારે કૉંગ્રેસ લડાયક મૂડમાં ભાજપ સામે લડશે.