AHMEDABAD : ગુજરાત હાઇકોર્ટના ન્યાય મૂર્તિ જસ્ટિસ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક કરવા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં કોલેજિયમમેં સુપ્રીમ કોર્ટમાં બે જજોની નિમણૂંક અંગે ભલામણ કરી છે, જેમાનું એક નામ ગુજરાત હાઇકોર્ટના ન્યાય મૂર્તિ જસ્ટિસ જે.બી.પારડીવાલાનું છે.
ગુરુવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાની આગેવાની હેઠળના કોલેજિયમે બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બઢતીની ભલામણ કરી હોવાથી સુપ્રીમ કોર્ટને વધુ બે ન્યાયાધીશો મળવાની તૈયારી છે.
ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જમશેદ બુર્જોર પારડીવાલા (JB Pardiwala)ને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઉન્નત કરવામાં આવશે.
લાઈવ લોના અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતમાં હાલમાં 34 ની મંજૂર સંખ્યા સાથે બે જગ્યાઓ ખાલી છે. જોકે, કેટલાક ન્યાયાધીશો ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે.
ગુવાહાટીના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ધુલિયા
10 ઓગસ્ટ, 1960ના રોજ જન્મેલા જસ્ટિસ ધુલિયાએ 1983માં આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ અને 1986માં એલએલબી પૂર્ણ કર્યું. તેઓ નવેમ્બર 1, 2008ના રોજ ઉત્તરાખંડ હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે ઉન્નત થયા અને મુખ્ય તરીકે શપથ લીધા. ઉપલબ્ધ માહિતી મુજબ 10મી જાન્યુઆરી 2021ના રોજ ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસ બન્યા.
ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા
ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાનો જન્મ 12 ઓગસ્ટ, 1965ના રોજ મુંબઈમાં થયો હતો અને વલસાડની જેપી આર્ટસ કૉલેજમાંથી 1985માં સ્નાતક થયા હતા. તેમણે 1988માં વલસાડની કેએમ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.
વકીલ પરિવારમાં જન્મેલા જસ્ટિસ પારડીવાલાએ સપ્ટેમ્બર 1990માં વલસાડમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. તેમણે કાયદાની તમામ શાખાઓમાં પ્રેક્ટિસ કરી હતી. 2002માં તેમની ગુજરાત હાઈકોર્ટ અને તેની ગૌણ અદાલતો માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને બેન્ચમાં તેમની બઢતી સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. તેઓ 17 ફેબ્રુઆરી, 2011ના રોજ હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 28 જાન્યુઆરી 2013ના રોજ પરમેનેન્ટ જજ તરીકે નિયુક્ત થયા.