Gujarat Riots 2002: ગુજરાત રમખાણ કેસમાં ઝાકિયા જાફરીને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી મેન્ટેનેબલ નથી. SITએ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. SITના રિપોર્ટને ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.


આ પહેલા ગુજરાત હાઈકોર્ટે 2002ના ગુલબર્ગ સોસાયટી રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. કોર્ટે આ મામલામાં ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી. આ અરજી રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.


તે અરજીમાં નરેન્દ્ર મોદી અને અન્ય 59 લોકોને રમખાણોના સંબંધમાં ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવવાની માગ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે ઝાકિયા જાફરી અને સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની એનજીઓ 'સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ' દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં 2002ના રમખાણો પાછળના કથિત મોટા ગુનાહિત કાવતરાના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા નરેન્દ્ર મોદી સહિત 56 લોકોને આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.


28 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુજરાતની ગુલબર્ગ સોસાયટીમાં એહસાન જાફરી સહિત લગભગ 68 લોકોની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદમાં ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં થયો હતો. સ્પેશિયલ એસઆઈટી કોર્ટે ગયા વર્ષે ગુલબર્ગ કેસમાં 24 લોકોને દોષિત ઠેરવ્યા હતા પરંતુ હત્યા પાછળ કોઈ મોટા ષડયંત્રને નકારી કાઢ્યું હતું.


 8 ફેબ્રુઆરી, 2012ના રોજ, SITએ નરેન્દ્ર મોદી અને અન્યને ક્લીનચીટ આપતાં વિશેષ અદાલતમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. ડિસેમ્બર 2013માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે નરેન્દ્ર મોદી અને અન્યો સામે ગુનાહિત ષડયંત્ર માટે કાર્યવાહી કરવાની અરજી ફગાવી દીધી હતી. આ પછી ઝાકિયા જાફરીએ 2014માં હાઈકોર્ટમાં અરજી કરી હતી. જાફરીની ફરિયાદમાં રાજકારણીઓ ઉપરાંત અમલદારો, પોલીસ અને અન્યનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.