Arvind Kejriwal Defamation Case: સુપ્રીમ કોર્ટે શુક્રવારે (25 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.


 






કોર્ટે કહ્યું કે તમારી રિવિઝન પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી અહીં સાંભળવાની જરૂર નથી. આ કેસમાં નીચલી કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. હકીકતમાં, યુનિવર્સિટીએ કેજરીવાલ વિરુદ્ધ તેમના નિવેદન બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.


 શું દલીલ આપી?
કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલનું પ્રતિનિધિત્વ કરતા અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે સમન્સ ઓર્ડર ખોટી રીતે જારી કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તુષાર મહેતાએ કહ્યું કે કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી યોગ્ય નથી.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટ તરફથી વચગાળાની રાહત ના મળતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. કેજરીવાલ અને સંજય સિંહ તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. બદનક્ષીના કેસમાં ઇશ્યુ થયેલા સમન્સ પર સ્ટે માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં કેટલી રજૂઆતો ફગાવતા આ અરજી કરવી પડી હતી. સમન્સ ખોટી રીતે ઇસ્યુ થયું હોવાથી તેની પર સ્ટે મળવો જોઈએ.


જો કે, આ મામલે ગુજરાત યુનિવર્સિટી તરફથી અરજીનો વિરોધ કરાયો હતો. અરજદારો હકીકત છુપાવી રહ્યા હોવાનો સોલીસીટર જનરલે દાવો કર્યો હતો. કોર્ટમાં ચાલતી રજૂઆત દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે, અમે કોર્ટમાં માત્ર અમારી રજૂઆત મૂકી શકીએ. અરવિંદ કેજરીવાલની જેમ કોઈને બદનામ કરવા માટે આખું ગૃહ બોલાવવાના (મારી પાસે) વિશેષ અધિકાર નથી. 


સુપ્રીમ કોર્ટે કર્યો હુકમ


સ્ટે અંગેના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ નિર્ણય લે તેવો સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે. 29 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં ચાલનાર કેસમાં જરૂરી નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને તાકીદ કરી છે. સ્પેશિયલ લીવ પિટિશનમાં હાલના તબક્કે નોટિસ જારી કરવી જરૂરી નહીં હોવાનું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે.