નવી દિલ્હી: રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયા હંમેશાં પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમને એક એવું નિવેદન આપ્યું છે. રાજસ્થાનના ચરૂમાં એક કાર્યક્રમ વખતે જ્યારે તે પીએમ મોદીની પ્રશંસા કરતા હતા, ત્યારે પુર્વ પીએમ મનમોહન સિંહ વિશે તેમને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
તેમને કહ્યું હતું કે, દેશના પુર્વ પીએમ મનમોહન સિંહ જ્યારે અમેરિકા જાય છે તો તેમને લેવા માટે સામાન્ય કક્ષાના મંત્રી જતા હતા, પરંતુ પીએમ મોદીને લેવા રાષ્ટ્રપતિ બરાક ઓબામા જાય છે. એ વખતે તેમને પુર્વ પીએમ મનમોહન સિંહ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
તેમના આ નિવેદનને લઈને પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમને ફેસબુક પેજ ઉપર લખ્યું હતું કે, રાજસ્થાનના ગૃહમંત્રી દ્ધારા દેશના પુર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજી માટે અપમાનજનક અને અશોભનીય શબ્દોનો ઉપયોગ કરતાં હું તેમની કડક નિંદા કરું છું, એક કેબિનેટ સ્તરના મંત્રીને આવા પ્રકારનું વર્તન શોભનીય નથી. ભારતીય જનતા પાર્ટી આ વિવાદિત નિવેદન ઉપર કોઈ એકશન લે અને ગૃહમંત્રીને તેમના પદથી હટાવે.
પોતાના નિવેદનના કારણે બબાલ મચતી જોઈ ગુલાબ ચંદ કટારિયાએ સોશિયલ મીડિયા અને એક અખબાર સાથેની વાતચીતમાં માફી માંગી હતી. તેમને કહ્યું હતું કે-પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશે મેં કંઈ અશોભનીય બોલ્યો નથી. પરંતુ જો કોઈને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગું છું.