ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહનું નામ ગરીબોને ફ્રી એલપીજી કનેક્શન આપવા માટે તૈયાર કરવામાં આવેલ લિસ્ટમાં સામેલ છે. આટલું જ નહીં, તેમનો ધારાસભ્ય પુત્ર જયવર્ધન સિંહનું નામ પણ આ લિસ્ટમાં છે. આ લિસ્ટ ઉજ્જવલા યોજના માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મામલો સામે આવ્યા પછી તેની તપાસ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. પૂર્વ સીએમનું નામ આ લિસ્ટમાં આવ્યા પછી સામાજિક-આર્થિક જનગણનાના સર્વે ઉપર પણ સવાલ ઉઠવા માંડ્યા છે. 2011માં થયેલા આ સર્વેના આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જયવર્ધન સિંહે આ મામલાને વિધાનસભામાં ઉઠાવવાની વાત કરી છે.

આ વિષયે રાધોગઢ સીએમઓ બુજેશ ગુપ્તાનું કહેવું છે કે સર્વેના સમયે દિગ્વિજય સિંહ અને તેમના પરિવાર સાથે જોડાયેલી તમામ જાણકારી આપવામાં આવી હતી. તેમાં તેમના નામે જે પ્રૉપટી છે. તેના વિશે પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ ઉજ્જવલા યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલી લિસ્ટમાં તેમનું નામ કેવી રીતે આવી ગયું તેના વિશે તપાસ કામગીરી ચાલી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, લગભગ 1 લાખ ગરીબ પરિવારોનું આ લિસ્ટમાં નામ નથી. જ્યારે આ લિસ્ટમાં અમીર લોકોનું નામ છે. જાણવા મળી રહ્યું છે કે, સર્વે દરમિયાન કંઈક ગડબડી થઈ છે.