મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં શુક્રવાર સાંજથી એક અઢી વર્ષનું બાળક 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયું છે. બાળકને બચાવવા માટે તંત્ર, પોલીસ અને બીએસએફના જવાનો છેલ્લા 18 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે.


ડબરાના ખેરી ગામમાં રહેતા હેમેશ પચૌરીનો અઢી વર્ષનો દીકરો અભિષેક શુક્રવારે સાંજે તેના દાદી સાથે ખેતરે ગયો હતો. ખેતરથી પરત ફરતી વખતે તેને બોરવેલ ન દેખાતા તે તેમાં પડી ગયો હતો. ગભરાયેલી દાદીની બૂમો સાંભળી ત્યાનાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને પોલિસને જાણ કરી હતી.

 

અભિષેક 25 ફૂટ ઊંડાઈએ ફસાઈ ગયો છે. જેથી બીએસએફે ઝડપી કામગીરી કરીને બાજુમાં 25 ફૂટ ઊંડો ખાડો ખોદી દીધો હતો. બાળકને દોરડાની મદદથી ખાવાપીવાની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે અને ખાડામાં એક સીસીટીવી કેમેરા પણ નાંખવામાં આવ્યો છે.

સીસીટીવી કેમેરામાં જોતા બોરવેલમાં એક સાપ પણ જોવા મળ્યો છે. સાપ પણ કોબરા છે જેના કારણે રેસ્ક્યૂમાં જોડાયેલા જવાનોની મુશ્કેલી વધી ગઈ છે તો અભિષેકને જીવનું જોખમ રહેવાની પણ શક્યતા છે.