UP News: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શનિવારે સવારે 8 વાગ્યાથી ફરી સર્વે હાથ ધરવામાં આવશે. હવે સર્વે ટીમ મસ્જિદની અંદર પ્રવેશી શકશે. કોર્ટના આદેશ બાદ આજથી સમગ્ર મસ્જિદ સંકુલના સર્વેની કામગીરી ફરી શરૂ થશે. અગાઉ શુક્રવારે કોર્ટ કમિશનરે બંને પક્ષકારો સાથે બેઠક કર્યા બાદ સર્વેની યોજના બનાવી હતી.




શાંતિ જાળવવા માટે અપીલ


જ્ઞાનવાપી સંકુલની વીડિયોગ્રાફી કરવાની છે અને 17 મે સુધીમાં વારાણસીની સિવિલ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. સર્વે પહેલા જિલ્લા પ્રશાસને બંને પક્ષકારો સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો તેની દિવાલને અડીને આવેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજા કરવાની પરવાનગી સાથે શરૂ થયો હતો. કોર્ટના નિર્ણય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે મસ્જિદનું ભોંયરું પણ ખુલશે. કોર્ટના આદેશ મુજબ જો ચાવી નહીં મળે તો તાળુ તોડીને વીડિયોગ્રાફી કરવામાં આવશે. મસ્જિદના દરેક ભાગમાં ઇતિહાસની શોધ કરવામાં આવશે.


કોર્ટ કમિશનરને બદલવાની માંગ કરવામાં આવી હતી


અગાઉ સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરના આદેશ બાદ કોર્ટ કમિશનર દ્વારા 6 મે અને 7 મેના રોજ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેનું કામ 6 મેના રોજ લગભગ 4 કલાક અને 7 મેના રોજ માત્ર 2 કલાકમાં પૂર્ણ થયું હતું. ત્યારે વિરોધ પક્ષ તરફથી જોરદાર વિરોધ થયો હતો. 8 મેના રોજ કોર્ટમાં બચાવ પક્ષ તરફથી કોર્ટ કમિશનરને બદલવા માટે કોર્ટમાં અરજી આપવામાં આવી હતી.


અન્ય બે આસિસ્ટન્ટ કોર્ટ કમિશનરની નિમણૂક કરાઇ


ત્રણ દિવસ સુધી આ અંગે સુનાવણી કર્યા બાદ કોર્ટે 11 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. જે 12 મેના રોજ સંભળાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રા સાથે સહયોગીના રૂપમાં બે અન્ય લોકોને પણ સર્વેમાં કામ માટે નિમણૂક કરવામાં આવી હતી.