H3N2 Deaths: વાયરલ તાવ એટલે કે H3N2એ આખા ભારતને ભરડામાં લીધું છે. દેશભરમાં  H3N2ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસ હવે જીવલેણ બની રહ્યો છે. કર્ણાટક અને હરિયાણામાં પણ 1-1 મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 90 થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 3 હજારને વટાવી ગઈ છે. H3N2 વાયરસના કારણે થયેલા મોત બાદ હવે સવાલો ઉઠવા લાગ્યા છે કે શું વાયરલ ફીવર પણ જીવલેણ સાબિત થઈ શકે છે? 


કર્ણાટકના બેંગલુરુમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 82 વર્ષની હતી. તબીબોનું માનવું છે કે, જે લોકો વૃદ્ધ છે, તેઓને કોઈ લાંબાગાળાની બિમારી છે. જેમ કે હૃદયના દર્દીઓ, કિડનીની બિમારી, અનિયંત્રિત ડાયાબિટીસ અથવા અન્ય કોઈપણ પ્રકારની બીમારી જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય. આવા લોકોને H3N2થી ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે તેથી સાવચેત રહેવાની જરૂર છે. 


આ લક્ષણો મૃતકમાં હતા


કર્ણાટકમાં મૃત્યુ પામેલા વ્યક્તિમાં શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા લક્ષણો હતા. મૃત્યુ બાદ આરોગ્ય વિભાગની ટીમો અલુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટેસ્ટ કરી રહી છે. લક્ષણો ધરાવતા લોકો પાસેથી સ્વેબ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. વિભાગે ઘણા રોગોથી પીડિત લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પર નજર રાખવાની સૂચનાઓ આપી છે. લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે કે લક્ષણો જોતા જ જાતે દવા ન લો.


સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં H3N2ના 50 થી વધુ કેસ નોંધાયા છે અને એકલા હાસન જિલ્લામાં છ કેસની પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે અને આ અંગે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આરોગ્ય પ્રધાન ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને H3N2 પ્રકારનું જોખમ વધારે છે. તે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ચેપ લગાડે છે. સુધાકરે સલાહ આપી કે સગર્ભા સ્ત્રીઓએ પણ સાવચેત રહેવું જોઈએ.


શું રસી આપશે રક્ષણ


કોરોના રસી અમુક અંશે H1N1થી રક્ષણ આપે છે પરંતુ H3N2 માટે ફ્લૂની રસી લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે.


20 દિવસમાં કેસ ઘટી શકે છે


જો કે ડોકટરોનું માનવું છે કે, આ વાયરસનો પ્રકોપ 15 થી 20 દિવસમાં ઓછો થઈ શકે છે. જ્યારે હવામાનમાં અચાનક બદલાવ બંધ થઈ જશે.


નિવારણની પદ્ધતિઓ શું છે?


નિષ્ણાતોનું કહેવું છે કે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ H3N2ને ઘણી હદ સુધી રોકી શકે છે. આ રોગનો ટેસ્ટ પણ કોરોના ટેસ્ટની જેમ જ કરવામાં આવે છે. નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે.