નવી દિલ્હીઃ સંસદમાંથી પસાર નાગરિકતા સંશોધન બિલને લઇ આખા દેશમાં ચાલી રહેલ ઉગ્ર ચર્ચાની વચ્ચે રાજ્યસભા સાંસદ અને પશ્ચિમ બંગાળમાંથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા રૂપા ગાંગુલી એક ખોફનાક ઘટના શેર કરી છે. રૂપા ગાંગુલીએ કહ્યું કે જ્યારે તેઓ પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં સાતમા ધોરણમાં ભણતા હતા એ સમયે તેમને અને તેમની માતા ને બુરખામાં ભાગવુ પડ્યુ હતું. અભિનેત્રીમાંથી નેતા બનેલા રૂપા ગાંગુલીએ કહ્યું કે કેટલાંક લોકો તેમનું અપહરણ કરવા આવ્યા અને જો તેઓએ આમ ના કર્યું હોત તો તેઓ ‘ખાન ટાઇગર’ના બેગમ બની જાત.

રૂપા ગાંગુલીએ ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં આપેલા ભાષણના જવાબમાં ટ્વીટ કરી છે કે કાશ હું મારી આપવીતી લોકોને કહી શકી હોત કે મેં શું શું ભોગવ્યું છે જિંદગીમાં. આજે નરેન્દ્ર મોદી અને તમને અમિત શાહ ઘણા લોકોના આશીર્વાદ મળશે.


રાજ્યસભાના સાંસદે કહ્યું છે કે, અમે ક્યાં જઈએ , જો ભારત અમને જગ્યા ન આપે તો, અમે કેટલીવાર બેઘર થઈશું. મારા પિતાને તેમના જ દેશમાં ક્યારેક નારાયણ ગંજ, ક્યારેક ઢાકા તો કયારેક દિનાજપુરમાં રહેવું પડ્યું છે. અમે વારંવાર જીવ બચાવવા માટે ઘર બદલ્યા છે. અમારે ક્યાં સુધી એક શરણાર્થીની જેમ જીવન જીવવું પડશે. નાગરિકતા સંશોધન બિલ 2019 માટે ધન્યવાદ

ભાજપ નેતાએ કહ્યું કે મને એ જોઇને આશ્ચર્ય થઇ રહ્યું છે કે આ મુદ્દા પર વિપક્ષ હસી રહ્યું છે…દરેક ટિપ્પણીની મજાક ઉડી રહી છે…એટલે સુધી કે વરિષ્ઠ મહિલા નેતા પણ…હું તેમના હાવભાવને જોઇ રહી છું…ખૂબ દુખી છું…ખૂબ નિરાશાજનક. આપને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન બિલને સંસદે પાસ કરી દીધું. હવે આ બિલ રાષ્ટ્રપતિની પાસે જશે અને હસ્તાક્ષર કર્યા બાદ કાયદો બની જશે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષના નતા ગુલામ નબી આઝાદે પ્રશ્ન પૂછયો હતો કે ભારતના બીજા પણ પાડોશી દેશ છે તો માત્ર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જ કેમ સામેલ કરાયા. તેમણે એમ પણ પૂછયું હતું કે મુસ્લિમો પર પણ અફઘાનિસ્તાનમાં તાલિબાને અત્યાર કર્યો પરંતુ તેમને બિલમાં જગ્યા કેમ આપી નહીં. ગૃહમંત્રીએ જવાબ આપતા કહ્યું કે શું બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમોને અલ્પસંખ્યક માની શકાય? તેમણે કહ્યું કે આ દેશોનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે તો તેના પર અત્યાચાર થવાની સંભાવના ખૂબ જ ઓછી છે.