Madrasa Demolition:  ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીના બનભૂલપુરાક્ષેત્રમાં ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા મદરેસા અને મસ્જિદને JCB મશીન વડે તોડી પાડવામાં આવી હતી. જે બાદ વિસ્તારમાં ઉભી થયેલી હિંસક સ્થિતિને જોતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 60 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં હલ્દવાનીના એસડીએમ (સબ-ડિવિઝનલ ઓફિસર)નો પણ સમાવેશ થાય છે.






એક રિપોર્ટ અનુસાર, શહેરના બનભૂલપુરા વિસ્તારમાં હિંસા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા લગભગ 60 લોકોમાંથી મોટાભાગના પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારી હતા જેઓ ગેરકાયદેસર બનેલા મદરેસાને તોડવા માટે આવ્યા હતા. હિંસા વધી જતાં હલ્દવાનીમાં તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ શહેર અને તેની આસપાસના ધોરણ 1-12ની તમામ શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.


દરમિયાન, મામલાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજધાની દેહરાદૂનમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને અધિકારીઓને બેકાબૂ તત્વો સાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપી. પ્રાપ્ત માહિતી અનુસાર, બનભૂલપુરાના ઈન્દિરા નગર વિસ્તારમાં મલિકના બગીચામાં બનેલી ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદને મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવી હતી.


માહિતી અનુસાર, આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ ઋચા સિંહ, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પરિતોષ વર્મા અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર હતા. કાર્યવાહી શરૂ થતાંની સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓ કાર્યવાહીનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ બેરિકેડ તોડતા અને ડિમોલિશન ઓપરેશનમાં રોકાયેલા પોલીસકર્મીઓ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.


બાદમાં ટોળાએ પોલીસકર્મીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. અરાજક તત્વોને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને પછી હળવો બળપ્રયોગ કર્યો હતો. જોકે, ટોળાએ પોલીસ પેટ્રોલિંગ કાર સહિત અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.


અધિકારીઓએ કહ્યું હતું કે મોડી સાંજ સુધીમાં હિંસા વધી ગઇ હતી અને બનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી જેના કારણે શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, નૈનીતાલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રહલાદ મીનાના નેતૃત્વમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત રહ્યો હતો. મીનાએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશનું પાલન કરીને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.


ત્રણ એકર જમીનનો કેસ


મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાયે કહ્યું કે તોડી પાડવામાં આવેલ મદરેસા અને નમાઝ સ્થળ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે મહાનગરપાલિકાએ આ સ્થળની નજીક સ્થિત ત્રણ એકર જમીનનો કબજો પહેલેથી જ લઈ લીધો હતો અને ગેરકાયદેસર મદરેસા અને નમાઝ સ્થળને સીલ કરી દીધું હતું, જેને આજે તોડી પાડવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે.