Hindustani Awam Morcha : 2024ની લોકસભાની ચૂંટણી પહેલા એકતરફ જેડીયુ અધ્યક્ષ નીતીશ કુમાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ શરદ પવાર સહિતના નેતાઓ ભાજપનો સામનો કરવા માટે ત્રીજો મોરચો એટલે કે મહાગઠબંધન રચવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે ત્યારે બીજી બાજુ વિપક્ષના આ પ્રયાસને ભાજપે જનોઈ ઘા માર્યો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીએ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી એનડીએમાં શામેલ થઈ ગયા છે. 


બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી અને હિન્દુસ્તાની અવમ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમન ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન (NDA)માં જોડાયા છે. નીતિશ કુમારનો પક્ષ છોડ્યા બાદ બંને નેતાઓ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા અને આ મુલાકાત બાદ સંતોષ કુમાર સુમને NDAમાં જોડાવાની જાહેરાત કરી હતી.


અમિત શાહના ઘરે આયોજિત બેઠક દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ હાજર હતા. આ બેઠક દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. રાજકીય ગલિયારામાં એવી ઘણી ચર્ચા હતી કે ટૂંક સમયમાં જ જીતન રામ માંઝી અને સંતોષ કુમાર સુમન ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન (NDA)માં સામેલ થશે. જે આખરે સાચી ઠરી હતી.




પૂર્વ સીએમ જીતનરામ માંઝી અને HAMના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમને અમિત શાહ સાથે 45 મિનિટ સુધી વાતચીત કરી હતી. તાજેતરમાં જ જીતનરામ માંઝીએ બિહારમાં મહાગઠબંધન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. તેમના પુત્ર સંતોષ સુમને બિહાર કેબિનેટમાંથી રાજીનામું આપીને મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જાણકારી અનુસાર, માંઝી પર પોતાની પાર્ટીને JDUમાં વિલય કરવાનું દબાણ હતું. ખાસ વાત એ હતી કે, અમિત શાહને રાજધાની દિલ્હી મળવા પહોંચેલા જીતનરામ માંઝી ઉઘાડા પગે નજરે પડ્યાં હતાં. 


જીતનરામ માંઝીએ મહાગઠબંધનથી અલગ થયા બાદ નીતિશ કુમારે તેમના પર મોટા આરોપો લગાવ્યા હતા. નીતિશ કુમારે કહ્યું હતું કે, જીતનરામ માંઝી બિહાર સરકારમાં સહયોગી રહીને ભાજપ માટે જાસૂસી કરતા હતા. સોમવારે માંઝીએ નીતિશ કુમાર સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. આ દરમિયાન સંતોષ સુમને કહ્યું હતું કે, નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)એ તેમની પાર્ટી પર JDU સાથે વિલીનીકરણ માટે દબાણ કર્યું હતું.


સંતોષ સુમને કહ્યું હતું કે, જો ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન તેમને આમંત્રણ આપે તો તેઓ એનડીએમાં જોડાવાનું વિચારવા તૈયાર છે. આ દરમિયાન તેમણે ત્રીજા મોરચાની સ્થાપના માટે વિકલ્પ ખુલ્લો રાખવાની વાત પણ કરી હતી.