નવી દિલ્લીઃ રામભક્ત હનુમાનજીનું જન્મસ્થળ ક્યાં આવેલું છે એ મુદ્દે

  કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના વિવાદ સર્જાયો છે. આ વિવાદને ઉકેલવા માટે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ 21 એપ્રિલે પોતાનો અહેવાલ રજૂ કરશે. હિંદુઓમાં અત્યંત શ્રધ્ધેય અને ભગવાન રામના પરમભક્ત ભગવાન હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે વિવાદ વકર્યો છે તેથી આ સમિતી બનાવવી પડી છે.


ભગવાન રામના પરમભક્ત ભગવાન હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે હિંદુ ધર્મનાં ધર્મગ્રંથોમાં અલગ અલગ વર્ણનો વાંચવા મળે છે. તેના કારણે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ વિશે વિવાદ શરૂ થયો છે. આ વિવાદ વકરે નહીં એટલે આ સમિતી બનાવાઈ છે.


કર્ણાટકના શિવમોગ્ગામાં આવેલા રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે, હનુમાનજીએ ખુદ સીતા માતાને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું. તેમનો દાવો છે કે,  હનુમાનજીએ ખુદ સીતા માતાને કહ્યું હતું તે પ્રમાણે હનુમાનજીનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. આ પહેલાં કર્ણાટકે દાવો કર્યો હતો કે અત્યારે કોપ્પલ જિલ્લામાં આવેલા કિષ્કિન્ધામાં અંજનાદ્રી પહાડીઓમાં હનુમાનજીનો જન્મ થયો હતો.


બીજી તરફ આંધ્રપ્રદેશનો દાવો છે કે, હનુમાનજીનો જન્મ તિરૂપતિની સાત પહાડીઓમાંથી એક એવી અંજનાદ્રીમાં થયો હતો. આ મુદ્દે સતત વિરોધાભાસી દાવા થઈ રહ્યાં હોવાથી તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે (ટીટીડી) વૈદિક સમિતિને હનુમાનજીના જન્મસ્થળ અંગે રીપોર્ટ આપવા જણાવ્યું છે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના નેજા હેઠળ કામ કરતી વૈદિક સમિતિ ધાર્મિક અને  વૈદિક બાબતોની ખરાઈ કરે છે. આ સમિતિમાં પુરાતત્વવિદ અને ઈસરોના એક વિજ્ઞાાનીનો સમાવેશ કરાયો છે. અલગ અલગ પૌરાણિક ગ્રંથોમાં હનુમાનજીના જન્મસ્થળ અંગે જુદાં-જુદાં વર્ણનો મળતા હોવાથી ઘણાં રાજ્યોના લોકો હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયો હોવાનું માને છે.


આજે હનુમાન જયંતિ છે. ચૈત્ર મહીનાની શુક્લ પક્ષની પૂનમ પર એટલેકે ચૈત્રી પૂર્ણિમા પર દર વર્ષે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 27 એપ્રિલને મંગળવારના રોજ હનુમાન જયંતી ઉજવવામાં આવશે. આ વખતે મંગળવારના રોજ હનુમાન જયંતીનો અવસર હોવાથી ઘણાં બધા શુભ સંયોગ પણ જોવા મળી રહ્યાં છે.


એવી માન્યતા છેકે, હનુમાનજી બજરંગબલીના નામે પણ જાણીતા છે. તેમની પૂજા-અર્ચના કરવાથી ભક્તોના સંકટ દૂર થાય છે. એ જ કારણસર તેમને સંકટ મોચક દેવ પણ કહેવામાં આવે છે. હનુમાનજીની આરાધનાથી ભક્તોને તમામ પ્રકારના રોગ-પીડા અને ભયમાંથી મુક્તિ મળે છે. સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી આપણાં આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. એટલું જ નહીં એમ પણ કહેવાય છેકે, હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી કે એમનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષનું પણ નિવારણ થાય છે. તેથી ભક્તો હનુમાન જયંતીના દિવસે ઉપવાસ કરીને ભગવાનની ઉપાસના કરે છે.