નવી દિલ્હીઃ વિદેશ સચિવ વિજય ગોખલેનો બે વર્ષનો કાર્યકાળ 29 જાન્યુઆરી 2020ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ગોખલે બાદ વિદેશ સચિવનું પદ કોણ સંભાળશે તેને લઇને કેબિનેટની  નિમણૂક સમિતિએ સોમવારે તેની સતાવાર જાહેરાત કરી હતી. 1984 બેંચના ભારતીય વિદેશ સેવાના અધિકારી હર્ષવર્ધન શ્રૃંગલા  ગોખલેનું સ્થાન લેશે.શ્રૃંગલા પોતાની બેંચમાં ટોપર હતા અને વર્તમાન સમયમાં અમેરિકામાં ભારતના રાજદૂત છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અને નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયા બાદ ભારત અને અમેરિકાના  સંબંધો પર પ્રતિકુળ પ્રભાવ નથી પડ્યા અને આ સામાન્ય રહ્યા. આ દિશામાં વિદેશ મંત્રી એસ જયશંકરની  સાથે શ્રૃંગલાની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.


શ્રૃંગલાની નિમણૂકમાં માપદંડ વરિષ્ઠતા રહી નથી. આ પુરી રીતે વડાપ્રધાન મોદી અને તેમની કોર ટીમ વિદેશ સચિવના પદ પર શું ઇચ્છે છે તેના આધાર પર નિમણૂક કરાઇ છે. વરિષ્ઠતાની રીતે જોઇએ તો વિદેશ સેવાના ત્રણ અધિકારીઓ શ્રૃંગલાથી આગળ હતા. જેમાં બ્રિટનમાં ભારતના રાજદૂત રૂચિ ઘનશ્યામ 1982ના બેંચના અધિકારી છે. તે સિવાય સંયુક્ત રાષ્ટ્રમાં  જેનેવામાં ભારતના દૂત રાજીવ ચંદર 1983 અને ચિલીમાં ભારતના રાજદૂત અનિતા નાયર 1983 બેંચના ભારતીય વિદેશ સેવાના અધિકારી છે.