નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) લાગુ નહી થાય. મુખ્યમંત્રી વાઇએસ જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે, રાજ્યમાં એનઆરસી લાગુ નહી થાય. આ અગાઉ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે, લઘુમતીઓએ ડરવાની જરૂર નથી. જગન રેડ્ડીએ કહ્યુ કે, તેમની સરકાર આખા રાજ્યમાં એનઆરસીનો વિરોધ કરશે. જોકે, ઝારખંડમાં મુખ્યમંત્રી બનવા જઇ રહેલા હેમંત સોરેને કહ્યુ કે, હાલમાં  એનઆરસીને લઇને  કોઇ નિર્ણય લીધો નથી. કાયદો વાંચ્યા બાદ  જ આ પર કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.


નોંધનીય છે કે છેલ્લા સપ્તાહમાં  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ નહી થાય. નાગરિકતા સંશોધન એક્ટને સમર્થન આપનારા મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ કહ્યું હતું કે, રાજ્યમાં એનઆરસી લાગુ  નહી થાય. અગાઉ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાજ્યમાં એનઆરસી લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે એનઆરસી અને સીએએ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.