ચંડીગઢઃ ભારતીય જનતા પાર્ટીએ આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ અવસર પર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર હાજર રહ્યા હતા. સંકલ્પ પત્રને ‘મ્હારે સપનોં કા હરિયાણા’ નામ આપવામાં આવ્યું છે. નડ્ડાએ કહ્યું કે ચૂંટણી ઢંઢેરાને ખૂબ એનાલિસિસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. સમાજના તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આ સંકલ્પ પત્રનો મુખ્ય વિષય છે યુવા વિકાસ અને સ્વરોજગાર મંત્રાલયની રચના કરવી. હરિયાણા સ્ટાર્ટ અપ મિશન શરૂ કરવામાં આવશે. શિક્ષણ માટે કોઇ પણ પ્રકારની ગેરંન્ટી વિના લોન આપવામાં આવશે. તમામ ગામમાં રમતગમત સ્ટેડિયમ અને જીમનું નિર્માણ કરવામાં આવશે.


સંકલ્પ પત્રમાં કહેવામાં આવ્યું છે કે પિંક બસ સેવા શરૂ કરવામાં આવશે. અંત્યોદય મંત્રાલયની રચના કરાશે. કુશળ કારીગરોને ત્રણ લાખ રૂપિયા સુધી ગેરન્ટી વિના  લોન અપાશે. વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન 2 હજાર રૂપિયાથી વધારીને 3 હજાર રૂપિયા કરાશે.

નડ્ડાએ કહ્યું કે- હરિયાણાને કુપોષણ મુક્ત અને ટીબી રોગથી મુક્ત બનાવાશે, 2000 વેલનેસ સેન્ટર બનાવાશે, જનઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારાશે, યુવાઓને 60 મિનિટની અંદર લોનની સુવિધા, 2022 સુધી તમામને પાકુ મકાન પણ અપાશે.