નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ આવશે. ભાજપે રાજ્યમાં ફરી એકવાર મનોહર ખટ્ટરના નેતૃત્વ પર ભરોસો મુક્યો છે. જ્યારે કૉંગ્રેસ ભૂપેંદ્ર સિંહ હુડ્ડા અને કુમારી શૈલજાના ભરોસે ચૂંટણી મેદાનમાં છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપ હરિયાણામાં પોતાની સત્તા બચાવી શકશે કે કૉંગ્રેસ બાજી મારશે ? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે એબીપી ન્યૂઝ અને સી-વોટર સાથે મળી ઓપિનિયલ પોલ કર્યો છે. ઓપિનિયન પોલ મુજબ હરિયાણામાં ભાજપને શાનદાર જીત મળી રહી છે.


હરિયાણાની કુલ 90 બેઠકોમાંથી ભાજપ વિપક્ષનો સફાયો કરી 83 બેઠકો પર જીત મેળવી શકે છે. કૉંગ્રેસના ખાતામાં માત્ર 3 બેઠકો આવી શકે છે. ઓપિનિયન પોલ મુજબ અન્યના ખાતામાં 4 બેઠકો આવી શકે છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વોટ શેરની વાત કરવામાં આવે તો ભાજપને 48 ટકા, કૉંગ્રેસને 21 ટકા અને અન્યને 31 ટકા મત મળી શકે છે.

હરિયાણામાં હાલ ભાજપની સરકાર છે. ગત ચૂંટણી 2014માં યોજાઈ હતી. રાજ્યની 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 47 બેઠકો મળી હતી. કૉંગ્રેસના ખાતામાં 15 બેઠકો આવી હતી. જ્યારે આઈએનએલડીને 19 બેઠકો પર જીત મળી હતી. હરિયાણા જનહિત કૉંગ્રેસને રાજ્યમાં બે બેઠકો પર જીત મળી હતી. બસપા અને શિરોમણી અકાલી દળને એક-એક બેઠક પર જીત મળી હતી. 2014ની ચૂંટણીમાં રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો પર અપક્ષની જીત થઈ હતી.

હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરના પરિણામ જાહેર થશે. રાજ્યમાં મતદારોની વાત કરવામાં આવે તો 1.82 કરોડ મતદારો છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સુધીનો છે.