સિરસા: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે આજે અંતિમ દિવસ છે ત્યારે રાજ્યમાં સત્તાધારી પાર્ટી બીજેપીએ ફરી સત્તામાં આવવા માટે એડી ચોટીનું જોર લાગી દીધી છે. સ્થાનીક નેતાઓથી લઈ રાષ્ટ્રી નેતાઓ અને સ્ટાર પ્રચારકોએ પાર્ટીના કેમ્પઈનને મજબૂતી આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિરસા જિલ્લાના એલનાબાદમાં એક સભાને સંબોધન કર્યું હતું. જેમાં કહ્યું કે આપણા ગુરુના પવિત્ર સ્થાન, કરતારપુર સાહિબ અને આપણા બધા વચ્ચેનું અંતર હવે સમાપ્ત થવાનું છે.

મોદીએ કહ્યું, આઝાદીના સાત દાયકા બાદ આ અવસર આવ્યો છે. કરતારપુર સાહિબ અને આપણી વચ્ચેનું અંતર સમાપ્ત થવા જઈ રહ્યું છે. 70 વર્ષ વીતી ગયા, એનાથી મોટું દુર્ભાગ્ય શું હોય શકે કે આપણી આસ્થાના એક મોટા કેન્દ્રને આપણે સાત દાયકા સુધી દૂરબીનથી જોવું પડ્યું. તેઓએ સવાલ કરતા કહ્યું કે 1947માં ભાગલાની રેખા ખેચવા માટે જવાબદાર હતા, શું તેઓને એ વિચાર નથી આવ્યો કે માત્ર ચાર કિમીના અંતરથી ભક્તોને ગુરુથી અલગ નહોતા કરવા જોઈતા. તેના બાદ પણ 70 વર્ષમાં શું આ અંતરને ખતમ કરવા કૉંગ્રેસે પ્રયાસ નહોતા કરવા જોઈતા ?

પીએમ મોદીએ કહ્યું, ભાજપ સરકારે ગુરુ નાનક દેવજીના 550 પ્રકાશ પર્વના આ મહાન અવસર પર, આ ઐતિહાસિક ક્ષણને સમગ્ર દુનિયાને પરિચિત કરાવવાનો પ્રયત્ન કર્યા છે. સમગ્ર વિશ્વમાં ભારત સરકાર ગુરુનાનકજીના 550મા પ્રકાશ પર્વ ઉજવશે. કપૂરથલાથી તરન તારન પાસે ગોવિંદવાલ સાહિબ સુધી જે નવો નેશનલ હાઈવે બન્યો છે, તે હવે ગુરુ નાનક દેવજી માર્ગથી ઓળખાશે.

હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં કુલ 90 સીટ છે. હાલમાં અહીં ભાજપની સરકાર છે જેનું નેતૃત્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરી રહ્યાં છે.