Haryana Chunav Result 2024: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો પણ આવી ગયા છે. જેમ કોંગ્રેસ પોતાની જીતનો દાવો કરી રહી હતી, મોટા ભાગના એક્ઝિટ પોલ પણ એ જ દિશામાં નિર્દેશ કરી રહ્યા છે. જો 8 ઓક્ટોબરે પરિણામ કોંગ્રેસની તરફેણમાં જાય છે, તો પાર્ટી માટે સૌથી મોટું કામ મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવાનું રહેશે, કારણ કે અહીં ઘણા દાવેદારો છે. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી શૈલજા, રણદીપ સિંહ સુરેજવાલા અને દીપેન્દ્ર સિંહ હુડ્ડા સીએમ પદની રેસમાં છે. જોકે, તેમાંથી ત્રણ નેતાઓએ વિધાનસભાની ચૂંટણી લડી નથી.


ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા 


રાજકીય પરિવાર સાથે જોડાયેલા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અહીંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 2005 થી 2014 વચ્ચે હરિયાણાના સીએમ પદની જવાબદારી સંભાળી હતી. તેમની ગણતરી હરિયાણામાં કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થાય છે. તેઓ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. તેમને સીએમ બનવામાં પણ રસ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે અંતિમ નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે અને જે પણ નિર્ણય લેવામાં આવશે તેને તેઓ સ્વીકારશે.


કુમારી શૈલજા 


સિરસાના સાંસદ કુમારી શૈલજાએ અનેક અવસરો પર સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મતદાન પૂર્ણ થયા બાદ પણ તેમણે ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યના લોકો અને ખાસ કરીને મહિલાઓ ઈચ્છે છે કે હરિયાણામાં કોઈ મહિલા મુખ્યમંત્રી બને. તે વિધાનસભાની ચૂંટણી પણ લડવા માંગતા હતા. ટિકિટ વિતરણમાં તેમના નજીકના લોકોને મહત્વન આપવામાં ન આવતા  તેઓ નારાજ પણ હતા. તેઓ ભલે વિધાનસભાની ચૂંટણી લડી શક્યા ન હોય, પરંતુ પાર્ટીના હરિયાણા પ્રભારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો કોઈએ ચૂંટણી ન લડી હોય તો પણ તે સીએમ બની શકે છે, તેમને હાઈકમાન્ડના આશીર્વાદ હોવા જોઈએ.


રણદીપ સિંહ સુરજેવાલા 


રાજ્યસભાના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા પણ મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલા, જે કૈથલના રહેવાસી છે, તેમની રાજકીય ઇનિંગ વિધાનસભા ચૂંટણીથી શરૂ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે તે ઈચ્છે છે કે તેના પિતા હરિયાણાના સીએમ બને. જોકે, શૈલજાની જેમ રણદીપ સુરજેવાલાને પણ વિધાનસભાની ટિકિટ આપવામાં આવી નથી. રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા રાખવી તે ખોટું નથી, પરંતુ તેઓ પાર્ટી નેતૃત્વનો નિર્ણય સ્વીકારશે.


દીપેન્દ્ર સિંહ હુડ્ડા 


દીપેન્દ્ર સિંહ હુડ્ડા આ વખતે રોહતકથી ચૂંટાઈને લોકસભા પહોંચ્યા છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્રએ તેમના પિતા માટે જોરશોરથી પ્રચાર કર્યો છે. હરિયાણાની ચૂંટણીમાં તેમની સક્રિયતા વ્યાપકપણે જોવા મળી છે. આવી સ્થિતિમાં દીપેન્દ્ર હુડ્ડા પણ સીએમ પદની રેસમાં છે. જો કે,  જો હુડ્ડા પરિવારમાં કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તે દીપેન્દ્ર હુડ્ડા હોઈ શકે છે.