કુરુક્ષેત્રઃ હરિયાણાના કુરુક્ષેત્રમાં કેન્દ્ર સરકારના કૃષિ વટહુકમોના વિરુદ્ધ ભારતીય કિસાન સંઘ અને અન્ય કિસાન સંગઠનો ગુરુવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે-44 બ્લોક કરી દીધો હતો. જ્યારે ભારતીય કિસાન સંઘે દાવો કર્યો હતો કે પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

એક પોલીસ અધિકારીએ કહ્યુ હતું કે, હજારો ખેડૂત પીપલી ચોક સુધી પહોંચી ગયા હતા અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. ખેડૂતોએ ત્યાં પાર્ક કરેલી ફાયર વિભાગની ગાડીઓની બારીના કાચ પણ તોડ્યા હતા. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.



બાદમાં પ્રદર્શનકારીઓ વાહનવ્યવહાર રોકવા માટે નેશનલ હાઇવે 22 પર ધરણા પર બેસી ગયા હતા. ‘ખેડૂત બચાવો, મંડી બચાવો’ રેલી માટે ખેડૂતો પીપલી અનાજ માર્કેટ પહોચતા રોકવા માટે જિલ્લા વહીવટીંતંત્ર દ્ધારા કડક વ્યવસ્થા છતાં અનેક ખેડૂતો ત્યાં પહોંચવામાં સફળ રહ્યા હતા.

કુરુક્ષેત્ર શહેરમાં દયાલપુર ચોક પર લગાવવામાં આવેલી પોલીસ બેરિકેટ તોડતા ટ્રેક્ટર અને અન્ય વાહનો પર લગભગ 100 ખેડૂતો પીપલી તરફ નીકળ્યા હતા. ખેડૂતના નેતા અક્ષય હાથીરાએ કહ્યું કે, સરકાર રેલીને પ્રતિબંધિત કરી કલમ 144 લગાવી ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી હતી. કોગ્રેસ નેતા અશોક અરોરા અને લાડવાના કોગ્રેસના ધારાસભ્ય મેવા સિંહ પોતાના સમર્થકો સાથે પિપલી બજાર પહોંચ્યા અને પોલીસ દ્ધારા તેમને રોકવામાં આવતા તેઓ રસ્તા પર બેસી ગયા હતા.