નવી દિલ્હીઃ બોલીવુડની અનેક ફિલ્મોમાં પોતાની એક્ટિંગ દ્વારા લોકોનું મનોરંજન કરી ચુકેલા ગુજરાતી એક્ટર અને અમદાવાદ(પૂર્વ)ના ભૂતપૂર્વ સાંસદ પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(NSD)ના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની આ પદ પર નિમણૂક કરી છે. પરેશ રાવલ આ ઈન્સ્ટિટ્યૂટમાં જ અભ્યાસ કરી ચુક્યા છે. 2014માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

એનએસડીએ ટ્વીટ કરીને કહ્યું કે, “અમને એ જાણ કરતા ખુશી થાય છે કે, રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ અભિનેતા અને પદ્મશ્રી પરેશ રાવલને એનએસડીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. એનએસડી પરિવાર તેમનું સ્વાગત કરે છે. તેમના માર્ગદર્શનમાં એનએસડી નવી ઉંચાઈને આંબશે.”



નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દેશની સૌથી લોકપ્રિય થિયેટર ઈન્સ્ટિટ્યૂટ છે. 1959માં સંગીત નાટક એકેડમી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી છે અને 1975માં તેને એક સ્વતંત્ર સ્કૂલ બનાવી દેવામાં આવી હતી. એનએસડી એ નસીરુદ્દીન શાહ, નવાઝુદ્દીન સિદ્દીકી, ઈરફાન ખાન, અનુપમ ખેર, ઓમ પુરી, આશુતોષ રાણા અને તિગ્માંશુ ધૂલિયા જેવા અનેક કલાકારો આપ્યા છે.

પરેશ રાવલે 1985માં ફિલ્મ અર્જુનથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. 90ના દાયકામાં આવેલી ફિલ્મોમાં તેમણે મોટાભાગે વિલનનો રોલ કર્યો હતો. તે પછી તેમણે કોમેડિયનનો રોલ કર્યો અને લોકોને ખૂબ પસંદ પણ આવ્યો હતો.