ઓડિશાના કાલાહાંડીમાં માઓવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Sep 2020 04:49 PM (IST)
ઓડિશાના કાલાહાંડી જિલ્લામાં માઓવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોના બે જવાન શહીદ થયા હતા
ભુવનેશ્વરઃઓડિશાના કાલાહાંડી જિલ્લામાં માઓવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોના બે જવાન શહીદ થયા હતા. પોલીસે જણાવ્યું કે, કાલાહાંડી-કંધમાલ સરહદ પર ભંડારંગી સિરકી વન ક્ષેત્રમાં બુધવારે થયેલી અથડામણમાં પાંચ માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એક અધિકારીએ કહ્યું હતું કે, અથડામણમાં ઓડિશા પોલીસના એસઓજીના બે કર્મીઓ, મયૂરભંજના 28 વર્ષીય સુધીર કુમાર તુડુ અને અંગુલ જિલ્લાના 27 વર્ષીય દેબાશીશ સેથી શહીદ થયા હતા. જેમાંથી એક ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને બાદમાં હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. જ્યારે અન્ય જવાનનો મૃતદેહ તપાસ અભિયાન બાદ મળ્યો હતો. આ ઘટનામાં ઠાર મરાયેલા માઓવાદીઓમાં ચાર મહિલાઓ છે. અધિકારીએ કહ્યું કે આ તમામ પ્રતિબંધિત માઓવાદી બનસાધરા-ગુમસરના હતા. કાલાહાંડીના પોલીસ અધિકારી બી ગંગાધરે કહ્યું કે, ઘટના સ્થળ પરથી છ હથિયાર જપ્ત કરાયા છે. એક અન્ય અધિકારીએ કહ્યું કે, એક ગુપ્ત જાણકારી પર કાર્યલવાહી કરતા એસઓજીએ ડીવીએફ સાથે મળીને મંગળવારે અભિયાન શરૂ કર્યું હતું. એસઓજી અને ડીવીએફની બે સંયુક્ત ટીમો અભિયાનનો ભાગ હતી.