નવી દિલ્હી: હાથરસ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. દરેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના જંતર મંતર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પ્રદર્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચૂરી, સીપીઆઈ નેતા ડી રાજા, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ સામેલ થયા છે.

જંતર મંતર પર વધી રહેલી ભીડને જોતા જનપથ મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે. રાજીવ ચોક પટેલ ચોક પર પણ એક્ઝિટ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.



યેચૂરીએ કહ્યું કે યૂપી સરકાર પાસે સત્તામાં બન્યા રહેવાનો કોઈ અધિકાર નથી. અમારી માંગ છે કે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે. ચંદ્રશેખર આઝાદે કહ્યું હું હાથરસ જઈશ. જ્યા સુધી યૂપીના મુખ્યમંત્રી રાજીનામું નહી આપે અને ન્યાય નહી મળે ત્યા સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. હું સુપ્રીમ કોર્ટને અનુરોધ કરુ છુ કે આ ઘટનાની નોંધ લે.

ઉલ્લેખનીય છે કે, 14 સપ્ટેમ્બરે હાથરસ જિલ્લાનાં ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામની 19 વર્ષીય યુવતી સાથે કથિત રીતે ગેંગરેપ થયો હતો, આ યુવતીના કમરના હાડકા તોડી નાખવામાં આવ્યા અને જીભ કાપી લેવામાં આવી હતી, તેના બાદ અલીગઢના જવાહરલાલ નેહરુ મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતા. તેના બાદ દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં મંગળવારે તેનું મૃત્યું થયું હતું અને વહિવટી તંત્રએ બળજબરી રાત્રે પરિવારની મંજૂરી વગર અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.